જામનગર, તા.૧
જામનગરના પવનચક્કી વિસ્તારમાં ગઈરાત્રે ચાલી રહેલા બટુક ભોજનના કાર્યક્રમમાં એક કુખ્યાત શખ્સ તથા તેના બે સાગરિતોએ વિક્ષેપ કરત અફડાતફડી વચ્ચે આ શખ્સોના ત્રાસથી વાજ આવી ગયેલા વેપારીઓએ વિરોધ પ્રદર્શિત કરવા સવારે પોતાની દુકાનો ખોલી ન હતી. બનાવની જાણ થતા એસપી દોડી આવ્યા હતા તેઓએ અગ્રણીઓની રજૂઆત સાંભળ્યા પછી કડક પગલા ભરવાની ખાતરી આપતા દુકાનો ખોલી નાખવામાં આવી હતી.
જામનગરના પવનચક્કી વિસ્તારમાં ગઈકાલે રાત્રે કુખ્યાત ગણાતા ઈકબાલ બાઠિયા તથા બે અજાણ્યા તેના સાગરિતોએ બટુક ભોજનના કાર્યક્રમમાં એન્ટ્રી મારી તરખાટ મચાવતા ભારે ચકચાર જાગી હતી. આ શખ્સોના કૃત્યના પગલે વિરોધ પ્રદર્શિત કરવા માટે આજ સવારથી હવાઈચોક, કિસાન ચોક, તળાવની પાળ અને પવનચક્કી વિસ્તારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી રોષ વ્યકત કર્યો હતો. આ વિસ્તારના લોકોની રજૂઆત સાંભળવા માટે જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ આજે બપોરે તે વિસ્તારમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ રજૂઆત સાંભળ્યા પછી વિધિવત ફરિયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશન પહોંચવાની અને જવાબદારો સામે કડક પગલા ભરવાની ખાતરી આપતા વેપારીઓએ પોતાની દુકાનો ખોલી નાખી હતી.