જામનગર, તા.૧૩
જામનગરના કૃષ્ણનગરમાં રહેતી એક બાળકીને આજે સવારે તેણીના સાવકી માતાના પુત્ર અને અન્ય સંબંધી મૃત્યુ પામેલી હાલતમાં જી.જી. હોસ્પિટલમાં લાવ્યા હતા. પોલીસે મૃતદેહ પર રહેલા ઈજાના નિશાનો જોઈ તપાસનો ધમધમાટ આરંભ્યો છે. આ બાળકીની માતા થોડા દિવસો પહેલાં ઘરેથી ચાલી ગઈ હોય તેની તપાસમાં બહારગામ ગયેલા પિતાને પણ આ બનાવથી વાકેફ કરવામાં આવ્યા છે અને પોલીસે બાળકીના મૃતદેહનું પીએમ કરાવી વિવિધ દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે. જામનગરના કૃષ્ણનગર વિસ્તારની શેરી રહેતા ચેતનભાઈ મુકુંદરાય કલ્યાણીનો સોળ વર્ષનો પુત્ર શિવમ અને તેમના સંબંધી ભરત ખીમજીભાઈ મથ્થર આજે સવારે સાતેક વાગ્યે નવ વર્ષની ઈશુ ચેતનભાઈ નામની બાળકીને બેશુદ્ધ જેવી હાલતમાં રિક્ષામાં જી.જી. હોસ્પિટલ લઈને આવ્યા હતા. આ બાળકીના શ્વાસ અટકી ગયા હોવાનું જાણી તેણીને તાત્કાલિક ફરજ પરના સીએમઓ સમક્ષ લઈ જવામાં આવી હતી જ્યારે જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ લૈયા તથા મગનભાઈ ચનિયારા પણ તાત્કાલિક દોડી ગયા હતા. આ બાળકીના શરીરની ચકાસણી કરતા તેણી મૃત્યુ પામેલી હોવાનું તબીબના ધ્યાને આવ્યું હતું જ્યારે બાળકીના કપાળ, બન્ને આંખ, દાઢી, જમણા હાથ, પગની ઘુંટી તેમજ પગના તળિયામાં ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. આ ઉપરાંત બાળકીના ડાબા હાથમાં પ્લાસ્ટર મારેલું પણ નજરે ચડયું હતું. આથી જમાદાર નારણભાઈ તથા મગનભાઈએ તે મૃતદેહની સાથે આવેલા શિવમ અને ભરતભાઈને પૂછતા શિવમે આ બાળકી પોતાની બહેન હોવાનું અને તેણીને ગઈ તા.૧૬ જાન્યુઆરીએ પડી જતાં ઈજા થઈ હોય, કોઈ હોસ્પિટલમાં સારવાર અપાવી પ્લાસ્ટર મરાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ તરૂણના નિવેદનથી વહેમાયેલા બન્ને પોલીસ કર્મચારીઓએ શિવમને સાંત્વના આપી વધુ પૂછપરછ કરતા તેના જણાવ્યા મુજબ પિતા ચેતનભાઈ મુકુંદરાય કલ્યાણીએ કરેલા પ્રથમ લગ્નના પત્ની પૂજાબેનના પુત્ર શિવમને નેહલ નામની બહેન હોવાનું આ તરૂણે જણાવ્યું છે તે દરમિયાન પૂજાબેનનું અવસાન થતાં પિતા ચેતનભાઈએ થોડા વર્ષ પહેલાં પરપ્રાંતમાં રહેતા શહેનાઝબેન ઉર્ફે રેખાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નથી રેખાબેનને બે પુત્રી અવતરી હતી જેમાંની ઈશુ (ઉ.વ.૯) આજે મૃત્યુ પામેલી હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જમાદાર નારણભાઈએ આ બનાવ અંગે શંકા વ્યકત કરી તાત્કાલિક સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને તેનાથી વાકેફ કરતા સિટી-સીના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. સકસેના તથા પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઈશુના મૃતદેહનો કબજો સંભાળી તેને પીએમ માટે ખસેડયો છે અને સાથે આવનાર શિવમ તથા ભરતભાઈની પૂછપરછ કરી છે જેમાં શિવમના જણાવ્યા મુજબ તેની નવી માતા રેખાબેન થોડા દિવસો પહેલાં ઘરેથી ક્યાંક ચાલ્યા જતાં પિતા ચેતનભાઈએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરી હતી તે દરમિયાન રેખાબેનનો પત્તો સાંપડતા ત્રણ-ચાર દિવસ પહેલાં પોલીસ પાર્ટી સાથે પિતા ચેતનભાઈ રેખાબેનની તપાસ માટે બીજા પ્રાંતમાં ગયા છે.