જામનગર, તા.૧૪
જામનગરમાં બિલ્ડર ગીરીશ ડેર પર થયેલા ફાયરીંગને લઇને પોલીસે એસટીએસ પાસેથી ત્રણ શખ્સોનો કબ્જો સંભાળી સાત દિવસના રીમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી છે. કુખ્યાત જમીન માફીયાએ રૂપિયા દોઢ કરોડની ખંડણી નકકી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સુટરોને આશરો આપી નાણા પુરા પાડવા સબબ જામનગરના જ કુખ્યાત શખ્સની પણ ધરપકડ કરી છે.
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે સરવે નંબર ૯૬૧ વાળી ક્રિષ્ના પાર્ક નામની જગ્યામાં બિલ્ડર ગીરીશભાઇ ડેર પર ગત ત્રણ જુલાઇના દિવસે ત્રણ અજ્ઞાત શખ્સો દ્વારા ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ વળતા જવાબમાં કરાયેલા ફાયરીંગને લઇને ત્રણેય શાર્પ શૂટર ભાગી છૂટ્યા હતાં.
જે અંગે ગુનો દાખલ કરાયા પછી એલસીબી દ્વારા તપાસનો દોર હાથમાં લેવા આવ્યો હતો. તાજેતરમાં જ અમદાવાદ એટીએસની ટીમ દ્વારા ફરાર થઇ ગયેલા ત્રણેય શાર્પ શૂટર હિતેષ સિંહ ભગતસિંહ ઝાલા, સંજય અરશીભાઇ બારડ, અને પ્રવિણ ગીગાભાઇ વાળાની ધરપકડ કરી લઇ જામનગર પોલીસને કબ્જો સોંપી દેવાયો હતો. અને એલસીબીની ટીમ દ્વારા ત્રણેય નો કોવિડ ટેસ્ટ કરાવ્યા પછી રિપોર્ટ નેગેટીવ આવતા વિધિવત ધરપકડ કરી લેવામાં આવી હતી.
જેઓને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા અદાલતે ત્રણેય આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. એલસીબીની ટીમ દ્વારા ત્રણેય આરોપીની ધનિષ્ઠ પુછપરછ કરવામાં આવતા જેઓની પુછપરછમાં જામનગરના ત્રણ શખ્સો જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, હૂસેન દાઉદ ચાવડા અને તેના ભાઇ રજાક સોપારી ચાવડાની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી એલસીબીની ટીમે ત્રણ પૈકીના એક આરોપી જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની પણ ધરપકડ કરી લીધી છે. જેનો કોવિડ ટેસ્ટ કરાયો હતો. જે નેગેટીવ આવ્યો છે. આ પ્રકરણમાં જે હથિયારનો ઉપયોગ કરાયો હતો. તે હથિયાર હુશેન ચાવડા દ્વારા સપ્લાય કરાયું હોવાનું જાહેર થયું છે તે હથીયાર પોલીસે કબજે કરી લીધું છે અને આરોપી બન્ને ભાઇઓની શોધખોળ ચલાવી રહી છે. જામનગરમાં ઝડપાયેલા આરોપી જશપાલસિંહની પુછપરછ દરમિયાન કુખ્યાત માફીયા જયેશ પટેલ બિલ્ડર ગીરીશ ડેરની હત્યા નીપજાવવા માટે રૂપિયા દોઢ કરોડની સોપારી આપી હોવાનું પણ ખુલ્યું છે. સમગ્ર મામલાની એલસીબીની ટીમ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. ત્રણેય શાપશૂટર બહાર ગામથી આવ્યા હતાં. જેઓને રહેવા માટે તેમજ આશરો આપવા અને આર્થિક મદદ કરવા માટે ત્રણેય સ્થાનિક શખ્સોએ મદદગારી કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.