જામનગર, તા.૯
જામનગર શહેરમાં વાતાવરણ અચાનક પલ્ટાયું હતું અને વરસાદ થયો હતો. આજે સવારે ૧૦થી ૧રના બે કલાકમાં સમયગાળામાં જામનગરમાં ૧૬ મી.મી. ધ્રોલમાં ૧પ મી.મી. વરસાદ થયો હતો. આ સિવાયના તમામ જિલ્લામાં સવારે ૧૦થી ૧રના સમયમાં કોઈ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. જામનગરમાં વહેલી સવારે અસહ્ય બફારો અનુભવાયા પછી દસેક વાગ્યા પછી અચાનક વરસાદ શરૂ થયો હતો અને અડધા ઈંચથી વધુ પાણી વરસી ગયું હતું. આ ઉપરાંત છેલ્લા ર૪ કલાકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક ગામોમાં સારો વાવણી લાયક વરસાદ થયો છે જેમાં નિકાવામાં રપ મી.મી., મોટા વડિયામાં ૬૦ મી.મી., જામવાડીમાં ર૭ મી.મી., વાંસજાળિયામાં ૩૩ મી.મી., ધ્રાફામાં રપ મી.મી., પડાણામાં ૧પ મી.મી., મોટા ખડબામાં ર૬ મી.મી., મોડપરમાં ૩૧ મી.મી., ડબાસંગમાં પ૩ મી.મી. વરસાદ થયો છે. લાલપુરમાં ગત સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે અને ભારે પવન સાથે દોઢેક કલાક વરસાદ થયો હતો અને ૪પ મી.મી. પાણી વરસ્યું હતું. પરિણામે લાલપુરના એસ.ટી. ડેપોમાં પાણી ભરાઈ ગયા હતા, તો કેટલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, આમ લાલપુર પંથકમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશ થઈ ગયા હતા.