જામનગર, તા.૨૩
જામનગરના બોક્સાઈટના એક વેપારી પાસેથી રૂા.એક કરોડની માંગણી કરી ચાર શખ્સોએ તેઓની મોટરમાં તોડફોડ કર્યાની રોકડ તેમજ સોનાના ચેઈનની લૂંટ કર્યાની, ચેકબુક, સ્ટેમ્પ પેપર પડાવી લીધાની અને તે વેપારીના પુત્રને રિવોલ્વર બતાવી બાળકોનું અપહરણ કરી એક્સીડન્ટ કરાવી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. એલસીબીએ આ ગુનાની તપાસ શરૂ કરી છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી જય કો.ઓપ. સોસાયટીમાં રહેતા અને બોક્સાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા અરવિંદકુમાર જમનાદાસ પાબારી (ઉ.વ.૬૭) નામના લોહાણા વૃદ્ધ શનિવારે રાત્રે પોતાની ઈનોવા મોટરમાં ખંભાળિયા ધોરીમાર્ગ પર એરપોર્ટ પાસેથી પસાર થતા હતા. ત્યારે તેઓની મોટરને વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા અને ત્રણ અજાણ્યા શખ્સોએ રોકી લીધા હતા.
ઉપરોક્ત શખ્સોએ અરવિંદભાઈને તારા પુત્ર જય પાસે રૂા.એક કરોડ લેવાના છે તેમ કહી ઈનોવા મોટરનો કાચ તોડી નાખી અરવિંદભાઈના ગળામાંથી રૂા.એક લાખની કિંમતની સોનાનો ચેઈન તથા રૂા.૧૫,૦૦૦ રોકડા લૂંટી લીધા હતા. ત્યારપછી ખોડિયાર કોલોની નજીકના સંતોષી મંદિર અને ગુરૂદ્વારા સર્કલ સુધી અરવિંદભાઈની પાછળ આવી આ શખ્સોએ પૈસા આપી દે નહીં તો તને તથા તારા પુત્ર સહિતના પરિવારને પતાવી દઈશું તેમ કહી જય પાબારીને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત વનરાજસિંહ સહિતના ચારેય શખ્સોએ અરવિંદભાઈ પાસેથી ચેકબુક, સ્ટેમ્પ પેપર, આઈડી પ્રુફ તેમજ અન્ય ડોક્યુમેન્ટ લૂંટી લઈ ધમકી ઉચ્ચારી હતી. પૈસા નહીં મળે તો તમારા શાળાએ જતા બાળકોનું અપહરણ કરાવી લઈશ તેમજ એક્સીડન્ટ કરાવી નાખીશ તેવી ધમકી આપી અરવિંદભાઈ તથા જય પાબારીના મોબાઈલમાં વ્હોટ્‌સએપના માધ્યમથી ઓડિયો ક્લીપ મોકલી આ શખ્સોએ ભય ફેલાવ્યો હતો.
આખરે અરવિંદભાઈએ આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસે આઈપીસી ૩૮૬, ૩૯૨, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨), ૫૦૭, ૧૧૪, આર્મ્સ એક્ટની કલમ અને મનીલેન્ડ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આરોપીઓ પાસેથી અરવિંદભાઈના પુત્ર જયે કેટલીક રકમ વ્યાજે લીધી હતી જેનું ફરિયાદીના જણાવ્યા મુજબ પેમેન્ટ થઈ ગયું છે તેમ છતાં રૂા.એક કરોડ વધુ કઢાવવા માટે વનરાજસિંહ સહિતના શખ્સો હરકતમાં આવ્યા છે. પીએસઆઈ આર.બી.ગોજિયાએ આરોપીઓના સગડ દબાવ્યા છે.