જામનગર, તા.ર
પાકિસ્તાની મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવતા જ ભાજપે ફટાકડા ફોડી ભાજપ સરકારની જીતનું જશ્ન મનાવ્યું હતું. પરંતુ ઉત્સાહના અતિરેકમાં સળગતા ફટાકડાથી ત્યાં રહેતી એક યુવતિ દાઝી જતા દોડધામ મચી જવા પામી હતી. શહેર ભાજપ કાર્યાલય પાસે આજે ભાજપ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ સમય ફટાકડો આડો ફાટ્યો હતો અને સામેજ આવેલા એપાર્ટમેન્ટમાં બહાર ઊભી રહેલી યુવતિ ઉપર પડ્યો હતો. આ સળગતા ફટાકડાના કારણે નિર્દોષ યુવતિ સખત રીતે દાઝી જતા તેણીને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આમ ભાજપના અતિ ઉત્સાહી કાર્યકરોએ જશ્નમાં ભાન ભૂલી જતા એક નિદોર્ષ યુવતિને તેનું ગંભીર પરિણામ ભોગવવું પડ્યું હતું. આ સમયે ભાજપના આગેવાનોમાં પણ દોડધામ મચી જવા પામી હતી. તુરંત જ પ્રો. વસુબેન ત્રિવેદી પણ યુવતિ પાસે દોડી ગયા હતા અને પરિવારજનોને ભોગ બનનાર યુવતિને હૈયાધારણા આપી હતી.