જામનગર, તા.ર૬
જામનગરના બેડી વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના પ્રોજેક્ટ સમયે સીવર કલેકશન સિસ્ટમ અને હાઉસ કનેકશન નેટવર્ક કામના ખાત મુહૂર્ત સમયે સ્થાનિક લોકો દ્વારા વિકાસ સુવિધાના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રી, ધારાસભ્ય ઉપરાંત મેયર સહિતનાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ ટાંકણે જ આ વિરોધ પ્રદર્શન થતા દોડધામ મચી જવા પામી હતી. આખરે યોગ્ય નિરાકરણની ખાત્રી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.
જામનગર શહેરના બેડી વિસ્તારમાં અમૃત યોજના હેઠળ ભૂગર્ભ ગટરના કામ માટે રૃા. ૧૦ કરોડ પ૦ લાખના ખર્ચે સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા પછી રાજ્ય સરકારના કૃષિ મંત્રી આર.સી. ફળદુના હસ્તે આ કામના ખાત મુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમન સુભાષ જોષી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
પરંતુ બેડીમાં સફાઈ, લાઈટ, પાણી, રસ્તાની સુવિધા ઝીરો હોવાનું જણાવી સ્થાનિક રહેવાસીઓએ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મંત્રીની ઉપસ્થિતિવાળા કાર્યક્રમ પહેલા જ ડખ્ખો સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. આખરે સ્થાનિક આગેવાની હેઠળ સ્થાનિક લોકો દ્વારા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવી સુવિધા આપવા માગણી કરવામાં આવી હતી.