જામનગર, તા.૫
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તાર પાછળ આવેલા કોળીવાડમાં હોળીની રાત્રે ભોઈ તથા કોળીના જૂથો વચ્ચે સર્જાયેલી બબાલ પછી પોલીસે ગોઠવેલા ચૂસ્ત બંદોબસ્તના પગલે તે વિસ્તારમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. પોલીસે બન્ને જૂથના મળી કુલ બાર શખ્સોની ધરપકડ કરી છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં આવેલા ભોઈના ઢાળિયાની પાછળના કોળીવાડમાં હોળીની રાત્રે ભોઈ તથા કોળીના જૂથો વચ્ચે સર્જાયેલી અથડામણ પછી તે વિસ્તારમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.
આ બબાલ વેળાએ કેટલાક વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી અને કેટલાક મકાનોમાં ભાંગતોડ કરવામાં આવી હતી જેની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે બંને પક્ષોના લોકો સામે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે ત્યારે ઈન્ચાર્જ એસપી ઉમેશ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.આર. સકસેના તથા સ્ટાફે ધરપકડનો દૌર શરૂ કર્યો છે.
પોલીસે ભોઈ જૂથના તેજસ સુરેશભાઈ ઉર્ફે તેજલા, કિશન ઉર્ફે જલા સુરેશભાઈ, ગડુ ઉર્ફે બિપીન, હસમુખ ભગવાનજી, કૌશિક અમૃતલાલ અને કોળી જૂથના સતિષ ઉર્ફે સતિયા, જયકિશન ઉર્ફે જેકી, જયેશ, ચેતન ઉર્ફે બાબા, સુનિલ મનજી તથા મહેતાભાઈ ઉર્ફે મુન્ના વાઘેલાની ધરપકડ કરી છે.આ વિસ્તારમાં થયેલી બબાલ પછી હાલમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. પોલીસે ભોઈ જૂથના છત્રીસ શખ્સો અને કોળી જૂથના સાત શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો.