જામનગર, તા.૧
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રીને પાર કરી જતા અંગદઝાડતા તાપ તથા ભેજવાળા પવનોને કારણે વધતા બફારાના બેવડા મારથી નગરજનો ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્યા છે.
જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ધીમે-ધીમે ફરી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ૩૯ ડિગ્રીથી ૪૧ ડિગ્રીની વચ્ચે જોવા મળી રહ્યો છે.
સાંજે વાતા પવનોને કારણે મોડી સાંજે તથા વહેલી સવારે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી, પરંતુ આકાશમાં સૂરજ નીકળતાના થોડા સમયમાં ગરમીનું પ્રમાણ વાતાવરણમાં વધી ગયું હતું. બપોર સુધીમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રીને પાર કરી જતા નગરજનોએ અંગ દઝાડતા તાપનો અનુભવ કર્યો હતો.
જામનગરમાં અરબ સાગર પરથી વાતા પવનોને કારણે હવામાં ભેજન પ્રમાણ વધતા બફારામાં પણ વધારો થયો છે. લોકો ગરમી અને બફારાના બેવડા મારથી ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્યા છે. અંગદઝાડતા તાપ અને બફારાની વિપરીત અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. હોસ્પિટલમાં પેટને સંબંધિત ફરિયાદો, માથુ દુઃખવું, તાવ વિગેરેના કેસો વધુ નોંધાઈ રહ્યા છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ર૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૯.પ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ મહત્તમ ૮૧ ટકા અને લઘુત્તમ ૪૩ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિકલાકની ર૦ કિ.મી.થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.