જામનગર, તા.૯
જામનગરમાં ૫ એપ્રિલથી શરૂ થયેલ કોરોના પોઝીટીવ કેસની રફતાર હાલમાં ભારે ગતિએ ચાલી રહી છે ત્યારે અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં સૌ પ્રથમ ઘટના એવી બની છે કે, કોઇ એક દર્દી એક વખત પોઝીટીવ આવ્યા બાદ હોમ કવોરેન્ટાઇન સમયમાં લેવાયેલા સેમ્પલમાં ફરી વખત પોઝીટીવ જાહેર થયેલ હોય. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના જ એક મહિલા કર્મચારી બે સપ્તાહના સમયગાળા દરમ્યાન બે વખત કોરોના પોઝીટીવ જાહેર થયા છે. જામનગરમાં ધીમે-ધીમે બહારથી લોકોની અવર-જવર શરૂ થતા કોરોનાના સંક્રમણની શરૂઆત થઇ હતી.છેલ્લા ૨૦ દિવસથી શહેરમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. છેલ્લા ૨૦ દિવસમાં ૧૨૫થી વધુ કેસ માત્ર જામનગર શહેરમાં નોંધાયા છે. ગઇકાલે પણ શહેરમાં નવા ૧૦ કેસ નોંધાયા હતા. જામનગરના રામેશ્ર્‌વરનગર વિસ્તારમાં રહેતા જયાબેન રામજીભાઇ રાઠોડ નામના ૫૨ વર્ષના મહિલા દર્દીનો રિર્પોટ પોઝીટીવ આવ્યાનું જાહેર થયું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર તેઓ આ અગાઉ પ્રથમ વખત તા.૨૪ જૂને લેવાયેલા સેમ્પલના રિર્પોટમાં પોઝીટીવ જાહેર થતા તા.૨૫ના રોજ કોવિડ હોસ્પિટલના આઇસોલેટેડ વોર્ડમાં ખસેડાયા હતા. તેઓની તબીયત સારી થઇ જતા પાંચ દિવસ બાદ સરકારની ગાઇડલાઇન મુજબ તેઓને હોસ્પિટલમાંથી રજા આપી હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. ગઇકાલે તેણીનું સેમ્પલ ફરી વખત લેવામાં આવ્યું હતું આ સેમ્પલનો રિર્પોટ ફરી વખત પણ પોઝીટીવ આવ્યાનું રાત્રે જાહેર કરાયું હતું. આમ જામનગર શહેર અને જિલ્લાની આ પ્રથમ ઘટના છે કે, એક જ દર્દી બે સપ્તાહના ટૂંકાગાળામાં બીજી વખત કોરોના પોઝીટીવ નોંધાયું હોય. જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં તેઓ ફરજ બજાવે છે.