(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.ર
ખાદ્ય અને જીવન જરૂરી ચીજવસ્તુના વધતા જતા ભાવ અને મોંઘવારીએ માઝા મૂકતા આ પ્રશ્નને વાચા આપવા માટે જામનગરમાં કોંગ્રેસ દ્વારા નવતર પ્રકારના વિરોધ પ્રદર્શન સાથે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને રાંધણગેસમાં તગડો ભાવ વધારો તો ડુંગળીને સોનાના ઘરેણાના બોક્સમાં રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
‘બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ નહીં ચાહિએ યે સરકાર’ના સૂત્ર સાથે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન સાથે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના લાલબંગલા સર્કલમાં આયોજીત આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટર જેનમબેન ખફી, આનંદ રાઠોડ, આનંદ ગોહિલ, મરિયમબેન, યુસુફ ખફી, નિતાબેન પરમાર, દેવસીભાઈ આહિર ઉપરાંત સહારાબેન મકવાણા, ક્રિપાલસિંહ વાળા, શહેર કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ રંજનબેન ગજેરા સહિતના કાર્યકર્તાઓ-આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં પ્રદર્શનમાં મહિલા પ્રમુખએ અનાજ, કઠોડને માથા ઉપર પાઘડી પહેરીને અને ગળામાં ડુંગળી-લસણ અને તેલની બોટલ પહેરીને વિરોધ કર્યો હતો. તો ગેસના બાટલામાં તગડો ભાવ વધારો થયો હોવાથી જેનમબેન ખફીએ માથા ઉપર છાણા ભરેલું તગારૂ ઉપાડી વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત તમામ પ્રદર્શનકારીઓએ ગેસનો બાટલો ચીતરેલા બેનર-પોસ્ટર ગળામાં ધારણ કર્યા હતા.
ખાસ કરીને ગેસના બાટલા, ડુંગળી, લસણ જેવી જીવન જરૂરી ચીજવસ્તુના ભાવમાં વધારો થતા આ વિરોધ પ્રદર્શન અને ધરણાંનો કાર્યક્રમ યોજીને સરકારને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોર્પોરેટર જેનમબેન ખફીએ હાથમાં સોનાના ઘરેણાના બોક્સમાં ડુંગળી રાખીને વિરોધને અસરકારક બનાવ્યો હતો. તમામ પ્રદર્શનકારીઓએ મોંઘવારી મુદ્દે સૂત્રચ્ચાર કર્યા હતા.