જામનગર, તા. ર૩
જામનગરના મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતા એક યુવાનનો સપ્તાહ પૂર્વે કૂવામાંથી મૃતદેહ સાંપડ્યા પછી આ યુવાનના પિતાએ પોતાના પુત્રની ત્યાં જ રહેતા એક પરિવારે નિર્મમ હત્યા કરી મૃતદેહને કૂવામાં ફેંકી દીધાની રજૂઆત કરતી અરજી એસપીને પાઠવી છે.
અરજીમાં જણાવવામાં આવ્યા મુજબ ગઈ તા. ૮ ની રાત્રે મુકેશભાઈને તે પરિવારની એક યુવતીએ ફોન કરીને બોલાવ્યા પછી તેણીએ પોતાના હાથેથી બ્લેડ વડે ગળા પર છરકા કર્યા હતાં. આ સમયે જ ત્યાં ધસી આવેલા તે યુવતીના પરિવારજનોએ સફેદ રંગની મોટરમાં મુકેશને નાખી કાલાવડ રોડ તરફ મોટર હંકારી હતી. આ બાબતની જાણ થતા મુકેશભાઈના પિતા લાલજીભાઈ બાબુભાઈ ગોહિલે બીજા દિને તેની જાણ કરી હતી. તે પછી તા. ૧૪ ની સાંજે મુકેશભાઈનો મૃતદેહ કૂવામાંથી મળ્યો હતો. મૃતદેહ પર મારકૂટના નિશાનો હોવા ઉપરાંત તેની જીભ અને આંખના ડોળા બહાર નીકળી ગયેલા જોવા મળ્યા હતાં. આથી મુકેશભાઈને ગળાટુંપો અપાયાની અને તે પહેલા તેઓને મારઝૂડ કરાયાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી તેના મૂળ સુધી પહોંચે અને આ કૃત્ય આચરનાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાય તેવી માંગણી સાથેની અરજીની નકલ ગૃહમંત્રી-ગુજરાત રાજ્ય, ગૃહ સચિવ, ડી.આઈ.જી.ને પણ પાઠવવામાં આવી છે.