જામનગર, તા.૨૫
જામનગરમાં સ્વામિનારાયણનગરથી ગ્રોફેડ મીલ સુધીના ડી.પી. રોડથી કપાત સામે અસરગ્રસ્તોમાં રોષ ભભૂકી રહ્યા છે. આજે અસંખ્ય લોકોએ રેલી કાઢી મંત્રી અને કમીશનરને આવેદનપત્ર પત્ર પાઠવ્યું હતું અને જરૂર હોય, તેટલી જ ડી.પી. કપાત કરવા માગણી કરી હતી.
જામનગરમાં સોનાપુરીથી મચ્છરનગર સુધીની ડી.પી. કપાત માટે મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે. આ કપાત કામગીરી સામે અસરગ્રસ્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આજે સવારે અસરગ્રસ્તોની એક વિશાળ રેલી નિકળી હતી અને મહાનગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પહેલા રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ આજે આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ડી.પી. કપાત કરવાની જરૂર શા માટે પડી ? સ્થાનિક રહેવાસીઓની માગણી નથી, તો ક્યા કારણોસર ડી.પી. કપાત કરવાનું આયોજન થયું છે ? આ રોડની મૂળ એલાઈન્મેન્ટની કોઈ પણ રહેવાસીઓને જાણકારી નથી. આ મૂળ એલાઈનમેન્ટ શું છે ? તેની લોકોને જાણકારી આપવી જોઈએ. આ ડી.પી. કપાત કરવાની ૧પ૦ મકાનોને અસર થવાની સંભાવના છે. તાજેતરમાં સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો કે, નાના ગરીબ લોકોને ખરાબાની જમીન ઉપર પોતાનું મકાન બાંધીને રહેતા હોય તો આવા મકાનને પણ રેગ્યુલરાઈઝડ કરી આપવું. જ્યારે મહાનગરપાલિકા ડી.પી. કપાત કરીને અનેક લોકોને નુકસાન પહોંચાડવું તે માનવીય અભિગમ નથી. આથી આ નિર્ણય રદ્દ કરીને જરૂર પુરતી જ ડી.પી. કપાત કરવી જોઈએ અને લોક કલ્યાણ થાય તેવો સુચારૂ નિર્ણય કરવો જોઈએ.