જામનગર, તા.૨૯
જામનગરમાં લોકસભાની ચૂંટણી વેળાએ કોઈ બુટલેગર શરાબની હેરફેર ન કરે તે માટે ચાંપતી નજર રાખવા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલએ પોલીસતંત્રને આપેલી સૂચનાના પગલે ગઈકાલે પેટ્રોલિંગમાં રહેલા એલસીબીના અજયસિંહ ઝાલા, હરદીપ ધાધલ, દિલીપ તલાવડિયા તથા ભગીરથસિંહને બાતમી મળી હતી કે રણજીતસાગર રોડ પર આવેલા સેટેલાઈટ પાર્કમાં એક શખ્સે મકાન ભાડે રાખી તેમાં અંગ્રેજી શરાબનો ગંજાવર જથ્થો ઉતાર્યો છે. આ બાતમીના આધારે પીઆઈ ડોડિયાના વડપણ હેઠળ બપોરે અઢી વાગ્યે એલસીબીના સ્ટાફે સેટેલાઈટ પાર્ક-૨ના પ્લોટ નં.૬માં આવેલા મકાનમાં ઘેરો ઘાલ્યો હતો.
આ મકાનમાં પ્રયુક્તિથી ઘૂસી ગયેલા એલસીબીના કાફલાએ તલાસી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૪૦૩૨ બોટલ ભરેલી ૩૩૬ પેટી મળી આવી હતી. આ જથ્થા સાથે જામનગરના મચ્છરનગરમાં રહેતો કુખ્યાત બુટલેગર યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ગડિયો, શક્તિ વિરેન્દ્રસિંહ જાડેજા, શાંતિનગરમાં રહેતા દુષ્યંતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા નામના ત્રણ શખ્સો સકંજામાં આવી ગયા હતા. એલસીબીએ રૂા.૧૬,૧૨,૮૦૦નો શરાબનો જથ્થો, રૂા.૪,૦૦,૦૦૦ની કિંમતની દારૂની હેરાફેરીમાં મનાતી સ્કોર્પિયો કબજે કરી ત્રણેય શખ્સો સામે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એલસીબીના જયુભા ઝાલાએ ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત ત્રણેય શખ્સોએ અનિલ રાજસ્થાની તથા હાલ અમદાવાદમાં વસવાટ કરતા મૂળ જામનગરના અમિત કચ્છી ભાનુશાળીનું સપ્લાયર તરીકે નામ આપ્યું છે. એલસીબીએ બંને શખ્સોની શોધ શરૂ કરી છે.
ઉપરોક્ત દરોડા પછી રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા માટેલ ચોક નજીકના જલારામ પાર્કમાં એલસીબીના હરદીપ ધાધલ તથા હરપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે એલસીબીના કાફલાએ દરોડો પાડતા ત્યાં આવેલા પ્રદીપસિહ રામસંગજી સોઢાના મકાનમાંથી અંગ્રેજી શરાબની સાંઈઠ બોટલ મળી હતી. આ શખ્સે ઉપરોક્ત જથ્થો શાંતિનગરવાળા વિશ્વરાજસિંહ દિલીપસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ ઉર્ફે ગડિયા પાસેથી લીધો હોવાની કબૂલાત આપી છે. આ દરોડા પછી પ્રતાપ ખાચર, અજયસિંહ તેમજ ભગીરથસિંહને મળેલી બાતમીના આધારે મચ્છરનગરમાં રહેતા યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી અંગ્રેજી શરાબની ૪૮ બોટલ સાથે યોગેન્દ્રસિંહ, રઘુવીરસિંહ અનિરૂદ્ધસિંહ ચૌહાણ નામના બે શખ્સો મળી આવ્યા હતા. તેઓએ પણ શરાબનો જથ્થો યશપાલસિંહ ઉર્ફે ગડિયા પાસેથી લીધો હોવાની કબૂલાત આપી છે.
આ ત્રણ દરોડા પછી રાત્રે એલસીબીના જયુભા ઝાલા, અજયસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે શાંતિનગર-૩માં વિજયાબા હોલ પાછળ આવેલા વિશ્વરાજસિંહ દિલીપસિંહ જાડેજાના મકાનમાં દરોડો પાડતા એલસીબીને ત્યાંથી અંગ્રેજી શરાબની ૧૫૩ બોટલ મળી આવી હતી. આ જથ્થો મૂકી વિશ્વરાજસિંહ નાસી છૂટ્યો છે.