(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા.૧૯
જામનગરમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૧ પોઝિટિવ કેસનો રાફડો ફાટતા તંત્રની રીતસર દોડધામ વધી જવા પામી છે. સંબંધિત તંત્ર દ્વારા આનુસંગિક કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરની હોસ્પિટલમાં હાલની સ્થિતિએ ૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં ચાર દ્વારકાના છે અને કુલ આંક ૧૧૧ ઉપર પહોંચ્યો છે. જામનગરમાં કોરોના અનલોક કરવામાં આવ્યો હોય તેમ વિસ્ફોટ થયો છે. આજે સવારે પૂરા થતાં ર૪ કલાકમાં જામનગર શહેરના ૧૧ દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ નોંધાયા છે આથી તેમને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં ગત સાંજે પટેલ કોલોનીના ૩૪ વર્ષના પુરૂષ, પ૦ વર્ષના નાનકપુરીના પુરૂષ અને ર૯ વર્ષનો મીલ્ટ્રી હોસ્પિટલ વિસ્તારનો યુવાનનો સમાવેશ થાય છે. આ પછી મોડીસાંજે ચાર રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતા તેમાં ૩૧ વર્ષીય પુરૂષ સેતાવાડ અને ૩૦ વર્ષીય મહિલા સેતાવાડ, ર૧ વર્ષના મહિલા ગર્વમેન્ટ કોલોની અને પપ વર્ષના મહિલા ખોડિયાર કોલોનીનો સમાવેશ થાય છે. ત્યાર પછી મોડીરાત્રે ર૯ વર્ષના ભોઈવાડા વિસ્તારના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો, તો આજે સવારે વધુ ત્રણ રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતા જેમાં ૩૦ વર્ષના પુરૂષ નવાગામ (ઘેડ), ૩૦ વર્ષના પુરૂષ સોઢાનો ડેલો વિસ્તારના તેમજ ૩૮ વર્ષીય મહિલા પવનચકીનો સમાવેશ થાય છે, આમ જામનગરમાં કુલ ૧૧ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ મળતા સંબંધિત તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જામનગરમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૧ સેમ્પલોનો રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે.