જામનગર, તા.૭
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો મીટર દિનપ્રતિદિન ફૂલ સ્પીડથી ફરતું જાય છે. આજે સવારે વધુ ૩૯ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ત્રણ તબીબો અને એસબીઆઇના બેંક કર્મચારી વગેરેનો સમાવેશ થાય છે. જામનગરમાં સૌ પ્રથમ ચાર દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. ત્યાર પછી એકી સાથે વધુ ૧૫ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અને તમામને જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારના છ કોરોના સંક્રમિત દર્દીઓને પણ જી જી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. દરમિયાન આજે સવારે વધુ ૧૪ કોરોના સંક્રમિત દર્દીઓ જી. જી. હોસ્પિટલમાં દાખલ થયા છે. જેમાં જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા ડોકટરર જ્યારે જામજોધપુર તાલુકાના શેઠ વડાળાના બે તબીબોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગરની એસબીઆઈની મુખ્ય બ્રાંચમાં ફરજ બજાવતા પાંચથી વધુ કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી ગયા હોવાથી એસબીઆઈની મુખ્ય બ્રાન્ચ બંધ રાખવાની ફરજ પડી છે અને સેનિટાઇઝેશન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૯૨૮નો થયો છે. જ્યારે જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોવિડ પેશન્ટ તેમજ નોન કોવિડ પેશન્ટ મળી ૬૧ દર્દીઓ ના મૃત્યુ નિપજયા છે અને મોડી રાત્રે હોસ્પિટલના બિછાને ત્રણ દર્દીએ દમ તોડયો હતો જેમાં બે મહિલા તેમજ એક પુરૂષનો સમાવેશ થાય છે.