(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા. ૧૮
આમ જામનગરમાં કોરોના બેકાબૂ બન્યો હોય તેમ જોવા મળી રહ્યું છે, તો સંબંધિત તંત્રની દોડધામ પણ વધી જવા પામી છે. દરમિયાન ગઈકાલે વધુ પાંચ અને આજે બે મળી કુલ સાત સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે જેમાં જામનગરમાં રણજીત રોડ, યુનીયન બેંક પાસે ૩ર વર્ષનો યુવાન, લીંડીબજાર, મણિયાર શેરીમાં રહેતો ર૩ વર્ષનો યુવાન, સિદ્ધાર્થનગર, શંકર ટેકરીમાં રહેતો ૩૦ વર્ષનો યુવાન, દરબારગઢ પાસે રહેતા ૬પ વર્ષનો વૃદ્ધ જે હાલ આઈ.સી.યુ.માં સારવારમાં છે. ઉપરાંત શિપિંગના વ્યવસાય માટે બહારગામથી આવનારા અને હોટલ, સેલીબ્રેશનમાં ક્વોરેન્ટાઈન થયેલા ૩૧ વર્ષના પુરુષનો ગઈકાલે કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા પછી આજે સેતાવાડ વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધા તેમજ ધ્રોળના રપ વર્ષની યુવતીનો સમાવેશ થાય છે. હાલ જામનગરમાં કુલ ૯૮ દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. ૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે.