જામનગર, તા.૩૦
જામનગરમાં ભરપૂર વરસતા વરસાદ વચ્ચે ડેન્ગ્યુનો રોગચાળો પણ વકરતો જતો હોવાથી દર્દીઓથી હોસ્પિટલો છલકાઈ રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આ બે દિવસમાં નોંધાયેલા કુલ ૮રમાંથી પ૦થી વધુ કેસ માત્ર જામનગર શહેરી વિસ્તારના છે. એટલે કે જામનગર શહેર રોગચાળાના અજગરી ભરડામાં સપડાયું છે. જામનગરમાં ચોમાસાના પ્રારંભથી જ ડેન્ગ્યુનો રોગચાળો આજ દિવસ સુધી યથાવત્‌ જળવાઈ રહ્યો છે અને તેમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જતી જોવા મળી રહી છે.
રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા આનુસંગિક કામગીરી કરવામાં આવી છે, પરંતુ તેની અસર જોવા મળતી નથી. વળી સતત બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોવાથી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ગારા, કિચડ અને ઉકરડા ભરપૂર જોવા મળે છે. આગામી દિવસોમાં હજુ ડેન્ગ્યુના રોગચાળાના દર્દીઓની સંખ્યા વધશે તેમ જણાય છે.