જામનગર, તા.૧૨
જામનગર જિલ્લામાં વિદેશથી પરત ફરેલા ત્રણ વ્યક્તિને કોરોના આશંકાના કારણે સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને જરૂરી નમૂનાઓ લઈ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.
જો કે, ત્રણેય શંકાસ્પદ દર્દીઓ વિદેશથી પરત ફર્યા હોવાથી તેમના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ચાઈનાથી શરૂ થયેલા કોરોના વાયરસ એ સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે. જ્યારે આ રોગના વાયરસ ભારત સુધી પણ પહોંચી ગયા છે અને દેશના જુદા-જુદા રાજ્યોમાં પણ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે.
તાજેતરમાં વિદેશથી પરત ફરેલા ત્રણ વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને જી.જી. હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને લોહીના નમૂનાઓ લેવામાં આવ્યા પછી તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો કે, આ ત્રણેય દર્દીઓ હાલ શંકાસ્પદ છે. લેબોરેટરીમાંથી રિપોર્ટ મળશે અને ત્યાર પછી જ ચોક્કસ નિર્ણય લેવાશે કે તેમને કોરોનાની અસર છે કે નહીં ? હાલ તો આ ત્રણેય દર્દીઓને આશંકાને ધ્યાને લઈ દાખલ કરી દેવામાં આવ્યા છે. અને તંત્ર દ્વારા તેના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કે, જવાબદાર અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ત્રણેય વ્યક્તિ વિદેશથી પરત ફર્યા છે. અને સામાન્ય બીમારીના લક્ષણ ધરાવે છે તેવી આશંકાથી જ હાલ તેઓ દાખલ છે.
આ ત્રણેય દર્દીઓ દુબઈ, શાહજહાંથી તાજેતરમાં જામનગર પરત ફર્યા હતા. અને તેમને શરદી, કફના સામાન્ય લક્ષણ જણાતા તંત્રએ તેના ઉપર વિશેષ ફોકસ કર્યું છે.