(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૭
જામનગરમાં સગી પુત્રીને દેહ વ્યાપાર તરફ ધકેલનાર માતા તથા મોટી બહેન અને છ દેહભુખ્યા ગ્રાહકો સામે ભોગ બનનાર તરૂણીએ ત્રણ વર્ષ પહેલાં ફરિયાદ નોંધાવ્યા પછી આ કેસ ચાલી જતા અદાલતે ગઈકાલે આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા હતા. આ તમામ આઠ પૈકીના માતા-બહેનને સાત-સાત વર્ષની કેદ તથા છ શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. જામનગરમાં ચકચારી બનનાર આ કિસ્સાની વધુ વિગત મુજબ સિટી ’સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની એક તરૂણીએ વર્ષ ૨૦૧૬માં પોતાની માતા તેમજ બહેન પોતાની પાસે ધરારથી દેહનો વ્યાપાર કરાવતી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેણીના નિવેદન પરથી માતા, બહેન તેમજ ગ્રાહક તરીકે આવતા રણજીતસિંહ ઉર્ફે દશરથસિંહ ખુમાનસિંહ જાડેજા, બસીર હસન સાજણ, વિનોદ હીરાભાઈ ઉર્ફે ભુરા, કિરણભાઈ જેરામભાઈ બોરીચા, અકબરગુલામ બદરમિયાં સહિતના છ સામે આઈપીસી ૩૭૬ (ડી), ૫૦૪, ૫૦૬ (એ), પોક્સો એક્ટની કલમ ૪, ૫, ૬, ૧૭ અને ઈમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ ૪,૫,૬ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસ જામનગરની પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકારપક્ષે તપાસનીસ અધિકારી, તબીબ વિગેરેની જુબાની લેવડાવવા ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતા ન્યાયમૂર્તિ પી.સી. રાવલે આઠેય આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા હતાં. આ તમામને આજે સજા સંભળવવામાં આવી છે. અદાલતે માતા તથા ભોગ બનનારની મોટી બહેને ઈમમોરલ ટ્રાફિક પ્રિવેન્શનના ગુનામાં સાત-સાત વર્ષની કેદની સજા અને આરોપી દશરથસિંહ, બસીર, વિનોદ ઉર્ફે ભુરા, કિરણભાઈ બોરીચા, અકબરગુલામ સહિત છને આજીવન કેદની સજા ફટકારી છે. સરકાર તરફથી પીપી કોમલબેન ભટ્ટ રોકાયા હતા.