જામનગર, તા.૧૬
જામનગરના એક મહિલા તથા તેની પુત્રીએ પોતાની સગી પુત્રીને દેહવ્યાપાર તરફ ધકેલી ધાકધમકી આપી તેણી પાસે લોહીનો વેપાર શરૂ કરાવ્યો હતો. માતાના કરતુતથી કંટાળી આ તરૃણીએ ત્રણ વર્ષ પહેલાં પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેણીની માતા, બહેન અને છ ગ્રાહકો સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતા અદાલતે તમામ આઠ આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા છે. તેઓને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે.
સમગ્ર જામનગર શહેર તથા જિલ્લામાં જે-તે વખતે ચકચાર જગાવનાર આ કેસની વધુ વિગત મુજબ જામનગરના સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં રહેતા રૂકસાનાબેન અનવર સુલેમાન નામના મહિલા તથા મુસ્કાન રફીકભાઈ સમા નામના માતા-પુત્રીએ પોતાની ૧૫ વર્ષની અન્ય એક પુત્રીને ધાકધમકી આપી લોહીના વેપાર તરફ દોરી હતી. વર્ષ ૨૦૧૬માં બનેલા આ બનાવમાં ભોગ બનનાર તરૂણી ૧૫ વર્ષની વય ધરાવતી હતી. તેણીને માતા તથા મોટી બહેન ધરારથી કેટલાક ગ્રાહકો પાસે દેહવ્યાપાર માટે જવા ફરજ પાડતી હતી.
આ તરૂણી પાસે કરાવતા ઉપરોક્ત કૃત્ય દરમ્યાન કંટાળી ગયેલી તરૂણીએ જે-તે વખતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેણીની માતા, બહેન તેમજ ગ્રાહક રણજીતસિંહ ખુમાનસિંહ જાડેજા ઉર્ફે દશરથસિંહ, બસીર હસન સાજણ, વિનોદ ઉર્ફે ભુરા હીરાભાઈ, કિરણભાઈ, જેરામભાઈ બોરીચા, અકબરગુલામ બદરમીયા સહિતના આઠ સામે આઈપીસી ૩૭૬ (ડી), ૫૦૪, ૫૦૬ (૧), પોક્સો એક્ટની કલમ ૪, ૫, ૬, ૧૭ તેમજ ઈમમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટની કલમ ૪, ૫, ૬ હેઠળ ગુન્હો નોંધ્યો હતો અને ચાર્જશીટ કર્યું હતું.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા ભોગ બનનારે કલમ ૧૬૪ હેઠળ નિવેદન આપ્યું હતું અને તેણીની માતા જ અંગત લાભ માટે ભોગ બનનારને તેમના ઘેર અને ગ્રાહકો સાથે અન્ય સ્થળે દેહવ્યાપાર માટે મોકલતી હોવાનું જણાવ્યું હતું. સરકાર પક્ષે ઈન્વેસ્ટીગેશન ઓફિસર, ભોગ બનનારની ચકાસણી કરનાર તબીબની જુબાની લેવડાવવા ઉપરાંત કેટલાક દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતાં. બંને પક્ષો તરફથી રજુ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આજે તમામ આઠ આરોપીઓને ઉપરોક્ત કલમો હેઠળના ગુન્હાઓમાં તક્સીરવાન ઠરાવ્યા છે. આરોપીઓને આવતીકાલે અદાલત સજા સંભળાવશે. સરકાર તરફથી પબ્લિક પ્રોસીક્યુટર કોમલબેન ભટ્ટ રોકાયા હતાં.
જામનગરમાં સગી પુત્રીને દેહ વ્યાપારમાં ધકેલનાર માતા સહિત આઠ તકસીરવાન

Recent Comments