જામનગર, તા.૩
જામનગરના લાલપુર બાયપાસ પાસે એક બિલ્ડરના ચાલતા બાંધકામના સ્થળે આજે બપોરે બે બાઈકમાં ધસી આવેલા ત્રણ શખ્સ પૈકીના એક એ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું છે. બિલ્ડરે પોતાના બચાવમાં વળતું બે રાઉન્ડ ફાયરીંગ કર્યું છે. સાઈટ પર હાજર વ્યક્તિઓએ હુમલાખોરોનો પ્રતિકાર શરૂ કરતા હુમલાખોરો દૂમ દબાવીને નાસી ગયા છે. જામનગરમાં હરિયા કોલેજ વિસ્તારમાં વસવાટ કરતા જાણીતા બિલ્ડર ભરતભાઈ હમીરભાઈ ડેરના નાનાભાઈ ગીરિશભાઈ ડેર આજે સવારે પોતાના નિત્યક્રમ મુજબ અગિયારેક વાગ્યે જીજે-૧૦-ડીઈ-૯૬૭૮ નંબરની મોટરમાં લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ જતા હાઈ-વે પર ચાલતા પોતાના ક્રિષ્ના પાર્ક નામના બાંધકામના સ્થળે જવા રવાના થયા હતા. તેઓ પોતાની સાઈટ પર પહોંચ્યા તે પછી ગગતરીની મિનિટોમાં તે સ્થળે બે મોટરસાયકલમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતા. સાઈટ પર ચોકીદાર તેમજ કડીયાકામ કરતા વ્યક્તિઓ સાથે વાતચીતમાં ગુંથાયેલા ગીરિશભાઈ પર ઉપરોક્ત ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. પોતાના બાઈકમાંથી ઉતરેલા આ શખ્સોએ થેલો ખોલી તેમાંથી બે શખ્સે હથોડી અને પાઈપનું બટકું બહાર કાઢ્યું હતું જ્યારે ત્રીજા શખ્સે રિવોલ્વર કાઢી ગીરિશભાઈ પર ફાયરીંગ કરવા માટે હાથ લંબાવ્યો હતો. તુરત જ પરિસ્થિતિ પારખી ગયેલા ગીરિશભાઈએ દોટ મૂકી તે શખ્સના બંને હાથમાં રહેલી રિવોલ્વરને પકડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં રિવોલ્વરનું નાળચુ જમીન તરફ નમી ગયું હતું અને તેમાંથી એક ફાયર થયો હતો. ધડાકાનો અવાજ સાંભળી સાવચેત બની ગયેલા ચોકીદાર સહિતના વ્યક્તિઓએ હાથમાં આવ્યા તે ઈંટ, પથ્થર વગેરેના ઘા શરૂ કરતા ત્રણેય હુમલાખોર ગભરાયા હતાં. તેઓએ સ્થળ પરથી નાસી જવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. ગીરિશભાઈએ પોતાની પાસે રહેલી રિવોલ્વર બહાર કાઢી હવામાં ત્રણ ફાયર કર્યા હતાં જ્યારે હુમલાખોર શખ્સે પણ બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ, સીટી ડીવાયએસપી એ.પી. જાડેજા, ડીવાયએસપી કૃણાલ દેસાઈ, એલસીબી પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ કે.કે. ગોહીલ, આર.બી. ગોજીયા, પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ જે.ડી. પરમાર તેમજ એસઓજીના પીઆઈ કે.એલ. ગાધે સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. તે દરમ્યાન ગીરિશભાઈ ડેરે ફરિયાદ નોંધાવવા કરેલી તજવીજમાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેકો દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ ગુન્હો નોંધ્યો છે. જેમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ ક્રિષ્ના પાર્કમાં આવેલા અમુક પ્લોટ અગાઉ જેના પર કુખ્યાત જયેશ પટેલે ફાયરીંગ કર્યું હતું તે મહિલા કોલેજના પ્રોફેસર પરસોત્તમ રાજાણીની મધ્યસ્થીથી જાણીતા બિલ્ડર મહેશભાઈ ભીખુભાઈ વારોતરીયા પાસેથી ખરીદ કર્યા હતાં. તે પછી ગીરિશભાઈ ડેરે તેમાં બાંધકામ શરૂ કરતા જયેશ પટેલે પોતાના મળતીયા તેમજ આડકતરી રીતે ગીરિશભાઈને આ પ્લોટ ન ખરીદો નહીં તો જીવ ગુમાવવાની તૈયારી રાખજો તેવી ધમકીઓ મોકલવાનું શરૃ કર્યું હતું પરંતુ ગીરિશભાઈ તેને વશ ન થતા આજે જયેશના ભાડુતી માણસો ફાયરીંગ કરી ગયા હતા જેની સામે ગીરિશભાઈએ સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પોલીસે આઈપીસી ૩૦૭, ૫૦૬ (૨), ૧૨૦ (બી), આર્મ્સ એકટ થતા જીપી કલમ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.