જામનગર, તા.૧૮
જામનગરની હોસ્પિટલમાં પચ્ચીસ દિવસ પહેલા સ્વાઈનફ્લૂના રોગની સારવાર માટે દાખલ થયેલા દર્દીનું ગત રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. અન્ય એક દર્દીને તબિયત સારી થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો હવે આઈશોલેશન વોર્ડ ખાલી છે. એક પણ દર્દી હાલ સારવારમાં નથી.
શિયાળાની ઠંડીની મોસમમાં સ્વાઈનફ્લૂની મહામારીએ માઝા મૂકી હતી. પરિણામે જામનગરની જી.જી. હોસ્પિટલનો આઈશોલેશન વોર્ડ દર્દીઓથી ઉભરાઈ ગયો હતો. પરંતુ ઉનાળાની ગરમીની શરૂઆત થતા સ્વાઈનફ્લૂના રોગના દર્દીઓમાં ઘટાડો થયો હતો.
દરમિયાન જામનગર તાલુકાના હર્ષદપુર ગામના રણછોડભાઈ વસોયા (ઉ.વ.પ૭)ને સ્વાઈનફ્લૂની અસર થતા ગત તા.રપ માર્ચના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ગત્‌ રાત્રે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આઈશોલેશન વોર્ડમાં કુલ બે દર્દીઓ જ દાખલ હતાં જેમાંથી એક દર્દીનું મૃત્યુ થયું હતું, તો બીજા દર્દીની તબિયત સારી થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આથી હાલ જી.જી. હોસ્પિટલનો આઈશોલેશન વોર્ડ ખાલી થયો છે અને હાલ એક પણ દર્દી દાખલ નથી.
આમ આ સિઝનમાં સ્વાઈનફ્લૂના રોગમાં જામનગરની હોસ્પિટલમાં કુલ ર૬ દર્દીઓના મૃત્યુ થયા છે.