જામનગર, તા. ૨૫
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગિર સોમનાથ જિલ્લામાંથી સારવાર મેળવવા આવેલા દર્દીના ભાઈને ઓપરેશનમાં મદદ કરવાનું બહાનું બતાવી એક શખ્સે રૂા.પ હજાર રોકડા અને એટીએમ કાર્ડથી રૂા.રપ હજાર ઉપાડી લઈ છેતરપિંડી આચર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગયા સોમવારે ગિર સોમનાથ જિલ્લાના વેરાવળના હસનભાઈ ઈબ્રાહીમભાઈ ખીલજી પોતાના ભાઈ શબ્બીરની પગની તકલીફની સારવાર મેળવવા માટે આવ્યા હતા જ્યાં તેઓને ઓર્થોપેડીક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોતે બહારગામથી આવ્યા હોય હસનભાઈ પોતાના ભાઈને યોગ્ય સારવાર મળે તે માટે હનીફ મોહસીન યાફાઈ નામનો શખ્સ હસનભાઈને મળી ગયો હતો.
આ શખ્સે જી.જી. હોસ્પિટલમાં પોતે સેવાનું કામ કરતો હોવાનું જણાવી શબ્બીરભાઈના પગના ઓપરેશન માટે અમૂક ચીજવસ્તુઓ બહારથી ખરીદવી પડશે તેમ જણાવી હસનભાઈને વિશ્વાસમાં લીધા હતા. તેથી હનીફે પોતાની જાળ વધુ ફેલાવી રૂા.પ હજાર રોકડા મેળવી વધુ રકમની જરૂર પડશે તેમ કહી હસનભાઈ પાસેથી તેમનું એટીએમ કાર્ડ મેળવી લીધું હતું.
ત્યાર પછી હનીફે એટીએમથી રૂા.૨૫ હજાર ઉપાડી લીધા હતા જેની હસનભાઈને જાણ થતા તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની શંકા પડતા હસનભાઈએ હોસ્પિટલમાં કેટલાક તબીબોને પૂછતા હનીફે તેઓને રૂા.૩૦ હજારનો ચૂનો ચોપડયાનું બહાર આવ્યું હતું. આથી સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દોડી ગયેલા હસનભાઈએ હનીફ મોહસીન યાફાઈ સામે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એમ.બી. ઝાલાએ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.