જામનગર, તા.૩૦
હાલારમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. જમનગરનું લઘુત્તમ તાપમાન મોસમનું રેકોર્ડબ્રેક ૯.ર ડીગ્રી નોંધાયું છે. ખંભાળિયામાં પણ મોસમની સૌથી વધુ ઠંડી પડી રહી છે. લોકો ગરમ વસ્ત્રો, ગરમ પીણાં અને તાપણાંની સહારો લઈ રહ્યા છે. કડકડતી ઠંડીના કારણે પરિવહન અને જનજીવન પ્રભાવિત થયું છે.
સૌ પ્રથમ વખત નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો ૩.૮ ડીગ્રી નીચે તરફ શરકીને ચાલુ મોસમાં રેકોર્ડબ્રેક ૯.ર ડીગ્રીએ પહોંચ્યો હતો. જામનગર ઠંડુગાર થઈ જતાં નગરજનો ઠૂંઠવાઈ ગયા હતાં. જામનગર તથા દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી તિવ્ર ઠંડી અનુભવાઈ રહી છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૩.૮ ડીગ્રીના ઘટાડા સાથે સિઝનમાં સૌ પ્રથમ વખત લુઘત્તમ તાપમાનનો પારો ૯.ર ડીગ્રીએ પહોંચી ગયો હતો તથા ર.૪ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ર૩.૬ ડીગ્રી નોંધાયું હતું. જામનગર ઠંડુગાર થઈ જતા નગરજનો ઠૂંઠવાઈ ગયા હતાં. ઠંડીથી બચવા માટે લોકોએ જરૃર વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું તથા જે લોકોને બહાર જવાનું થયું હતું તે લોકોએ કામકાજ વહેલું આટોપીને ઘરે ચાલ્યા ગયા હતાં. આ ઉપરાંત સ્વેટર, જેકેટ, ટોપી, મફલર, હાથમોજા વિગેરે જેવા ગરમ વસ્ત્રોનો, ગરમ પીણાનો તથા તાપણાંનો પણ સહારો લીધો હતો.
ખંભાળિયામાં રાત્રે ઠંડીનું કોલ્ડવેવ ફરી વળ્યું હોય, તેમ ઠંડીનો પારો નીચે જતાં ૧૮/૧૯ રહેલું તાપમાન ૧૪ ડીગ્રી પહોંચી ગયું હતું. તો સવારે ૧૪ રહેલું તાપમાન રાત્રે ૧ર/૧૩ થઈ જતાં રાત્રિથી જ ઠંડીથી બચવા માટે લોકો તાપણાં કરતા થઈ ગયા હતાં તો મોસમમાં પહેલી જ વખત તાપમાન રાત્રે ૧ર ડીગ્રી જેટલું નીચું જતાં લોકો ઠંડીથી ધ્રુજી ગયા હતાં તથા રાત્રે બજાર શાંત જણાતું હતું, તો રાત્રે ૧ર/૧ વાગ્યા સુધી રખડતા લોકો તથા પશુઓ પણ ગરમ જગ્યા જોઈને ત્યાં આશ્રય લેવા પહોંચી ગયા હતાં. સામાન્ય રીતે બાર વાગ્યા સુધી ધમધમતો નગરગેઈટ વિસ્તાર પણ સુમસામ થઈ ગયો હતો. હજુ ઠંડીમાં વધારો થવાની સંભાવના હોય, ઠંડીનો માહોલ લોકોને હજુ વધુ થરથરાવે તેવી સંભાવના છે.