જામનગર, તા.૧૨
જામનગરના એક આસામી પોતાના નિત્યક્રમ મુજબ સ્પોર્ટસ સંકુલ પાસે આવ્યા ત્યારે મોઢે બુકાની બાંધી બાઈક પર ધસી આવેલા બે પૈકીના પાછળ બેસેલા શખ્સે તેમના હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો. ઈજાગ્રસ્તે દ્વારકામાં આવેલી હોટલના ધંધામાંથી ભાગીદારી છૂટી કરવાના મુદ્દે તેમના પર હુમલો થયાની આશંકાથી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના અંબાવિજય સોસાયટીમાં રહેતા રાકેશભાઈ મણીલાલ બારાઈ ભીડભંજન મહાદેવ મંદિર સામેના રોડ પર આવેલા જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટસ સંકુલ પાસે આવ્યા હતા. ત્યારે એક મોટરસાઈકલમાં ડબલ સવારીમાં આવેલા બે બુકાનીધારીઓ પૈકીના પાછળ બેસેલા પચ્ચીસેક વર્ષના શખ્સે પાઈપ સાથે નીચે ઉતરી રાકેશભાઈ પર હુમલો કર્યો હતો.
આ શખ્સે ગાળો ભાંડી પાઈપ ફટકારવાનું શરૂ કર્યું ત્યારે બીજો શખ્સ બાઈક ચાલુ રાખીને ઊભો રહ્યો હતો. થોડી મિનિટો સુધી રાકેશભાઈને ફટકાર્યા પછી પાઈપધારી શખ્સ બાઈકમાં બેસી જતા તે સ્થળેથી પૂરપાટ ઝડપે બાઈક નાસી છૂટ્યું હતું. ઈજા પામેલા રાકેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓને હાથમાં ફ્રેક્ચર થવા પામ્યું છે. આ બનાવ અંગે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ રાકેશભાઈ દ્વારકામાં સિદ્ધાર્થ બારોટ નામના આસામી સાથે ભાગીદારીમાં હોટલ ચલાવે છે. થોડા સમય પહેલાં ભાગીદારીના હિસાબો બાબતે રાકેશ તથા સિદ્ધાર્થ બારોટ વચ્ચે મનદુઃખ થયા પછી રાકેશભાઈએ આઠ આકડાંની રકમ પોતાને આપી દઈ છૂટો કરવા બાબતે કહ્યા પછી તે રકમ જલદીથી આપી દેવા કહ્યું હતું. ત્યારપછી તેમના પર આ હુમલો થયો છે.