જામનગર, તા.૬
દેશ અને દુનિયામાં ભયજનક રીતે પ્રસરી રહેલા કોરોના વાયરસ અત્યાર સુધી જામનગર સહિત હાલાર દૂર હતો, પરંતુ ગઈકાલે જામનગરમાં પણ એક દર્દીનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.
જામનગર નજીકના દરેડના ઔદ્યોગિક વસાહત પાછળના વિસ્તારની ખોલીમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારના ૧૪ માસની ઉંમરના બાળકને કોરોના પોઝિટિવ રિપોર્ટ મળતા જ તંત્ર ધંધે લાગ્યું હતું.
આ બાળકની તબિયત ખરાબ થતાં તા. ૪-૪-ર૦ર૦ના સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું જ્યાં તેને કોરોનાના લક્ષણો જોવા મળતા લોહીના નમૂનાઓ લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાવવામાં આવ્યા હતા. ગઈકાલે બપોર પછી આ બાળકનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો, જો કે આ બાળકની તબિયત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલ તે વેન્ટીલેટર ઉપર છે.
બીજી તરફ દરેડ પંથકમાં કોરોના વાયરસનો કેસ નોંધાતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને આરોગ્યની ટીમના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતાં. હાલ આ બાળક સારવાર હેઠળ છે. તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશનો આ શ્રમિક પરિવાર છેલ્લા ત્રણેક વર્ષથી જામનગરમાં રહે છે. બાળકના પિતા એક કારખાનામાં મજૂરી કામ કરે છે.
જિલ્લામાં પ્રથમ કેસથી તંત્રની દોડધામ વધી છે, જ્યારે જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દરેડ ગ્રામ પંચાયત, જીઆઈડીસી વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. અહિંના તમામ માર્ગો લોક કરી દેવામાં આવ્યા છે અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક પણ વાહન ચાલકને પસાર થવા દેવામાં આવતું નથી જેથી અન્ય કોઈ વ્યક્તિને કોરોના લાગુ પડે નહીં.