જામનગર, તા.૯
જામનગર શહેરના ૬૧માંથી ૩૪ સ્લમ વિસ્તારોની બાદબાકી કરી નાખવામાં આવતા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જામનગરના એડવોકેટ હારૂન પલેજાએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજ્ય આવાસ યોજનાની ગાઈડલાઈન મુજબ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સહિતનાઓ દ્વારા તા.૬-૨-૧૭ના ઠરાવના અનુસંધાને ૩૪ સ્લમ વિસ્તારોની બાદબાકી કરી નાખવામાં આવી છે. કોઈપણ જાતની તપાસ વગર અને ભેદભાવભરી નીતિના કારણે આમ કરાયું છે. બેડીના ગરીબનગર, બેડેશ્વર, ધરારનગર, જોડિયાભુંગા વિસ્તારોમાં ૩૬ વર્ષથી કોઈ પાયાની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી નથી. આ પછી ૨૦૦૬ના વર્ષમાં વિસ્તારને મહાનગરપાલિકામાં ભેળવી દેવાયો હતો. પરંતુ આજ સુધી મેઈન રોડ બનાવાયા નથી. આ વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, પ્રાથમિક સુવિધાઓ અપૂરતી છે. આમ, છતાં ૩૪ વિસ્તારોને સ્લમ વિસ્તારમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. સત્વરે આ અંગે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.