(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા.૮
જામનગરમાં ૭ મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં ત્રણની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની છે જ્યારે ૩ કેસ ૪૦થી ૫૫ અને એક ૭૨ વર્ષના વૃદ્ધા છે. જેમાંથી ત્રણ મહિલા દર્દી જામજોધપુરની છે. બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં હોટસ્પોટ વિસ્તાર વોરાવાડમાં ૮૦ વર્ષના વૃદ્ધ અને ૪ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોટાદ જિલ્લામાં અત્યાર સધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૯ થઇ છે. જેમાં ૧૧ લોકો સાજા થયા, ૨ના મોત અને ૩૬ દર્દી હાલ સાળંગપુર કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભાવનગરમાં વધુ એક કેસ નોંધાતા પોઝિટવ કેસની સંખ્યા ૮૪ થઇ છે. શહેરના આંબાચોક વિસ્તારમાં રહેતા રોશનબેન મહમદઅલી લાખાણી (ઉ.વ.૬૨)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ભાવનગરમાં આજે વધુ ચાર દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો છે. જેમાં રોલીંગ મિલના માલિક કુમાર વોરોએ કોરોના પર જીત મેળવી છે. ચારેય દર્દીને રજા આપવામાં આવી છે. ભાવનગરમાં વઘુ ચાર કોરોનાગ્રસ્ત દર્દીઓના બંને રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ટોટલ ૨૯ દર્દીઓ રોગ મુક્ત થયા છે. ભાવનગરના કાજીવાડ ગજ્જરનો ચોક નજીક રહેતા અરબાઝ ઇદરીશભાઇ કુરેશી (ઉં.વ. ૨૨)ને તા. ૧૮ એપ્રિલના રોજ પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. ગીતાચોક પ્રભા વિલામાં રહેતા કુમારભાઇ રસિકભાઇ વોરા (ઉં.વ ૪૨)ને તા. ૨૪ એપ્રિલે પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. સંઘેડીયા બજાર મોચી શેરીમાં રહેતા રૂક્ષાનાબેન મુખ્તારભાઇ શેખ (ઉં.વ ૪૫)ને તા.૨૪ એપ્રિલે પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો અને સિહોરના જલુના ચોકમાં રહેતા યાસીનભાઇ હનીફભાઇ દસાડિયા (ઉં.વ ૨૨)ને તા.૨૬ એપ્રિલના રોજ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ ચારેય કોરોનાગ્રસ્ત દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. સઘન સારવાર બાદ ચારેયના બંને રિપોર્ટ નેગેટિવ આવતા આજે રજા આપવામાં આવી છે. ભાવનગરમાં ૮૪ કેસ નોંધાયા છે. જેમાંથી ૬ના મોત, ૨૯ દર્દીઓ રોગમુક્ત થતા રજા આપવામાં આવી છે અને ૪૯ દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.