જામનગર, તા.૨૩
ભારત સરકારના સીએએ અને એનઆરસી કાયદાના સમર્થનમાં સીએએ, એનઆરસી સમર્થન મંચ દ્વારા આજે વિશાળ રેલી કાઢવામાં આવ્યા પછી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સીએએ, એનઆરસી સમર્થન મંચના સંયોજક કૃણાલ અશોકભાઈ જોષી દ્વારા ભારત સરકારના નાગરિકતા સહિતના બંને બીલના સમર્થનમાં આજે સવારે ૧૧ વાગ્યે ઓશવાળ સેન્ટર પાસેથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલું આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવાયું હતું. જેમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે ભારત સરકારે પડોશી દેશોના લઘુમતિ સમૂદાયના બંધુઓ માટે નાગરિકતા સંશોધન અધિનિયમન બનાવીને ભારતના આત્માને જ પ્રખરતાથી પ્રગટ કર્યા છે. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં તેમનું ઐતિહાસિક ભાષણમાં ભારતની ઓળખ આપતા કહ્યું કે, મને ગૌરવ છે કે, હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલ તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશના લોકોને આપ્યો છે. આજે ભારત પડોશી દેશોના ત્રાહિત શણાર્થી અલ્પ સંખ્યકો હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ઈસાઈને નાગરિકતા આપતો કાયદો બનાવી ભારતીયના પૂર્નજાગરણનો પરિચય આપ્યો છે.
સીએએ – એન.આર.સી. સમર્થન મંચના સંયોજક કુણાલ અશોક જોષીની આગેવાની હેઠળના આ કાર્યક્રમમાં સ્વામીનારાયણ મંદિરના મહંત ચત્રભૂજદાસજી મહારાજ ખીજડા મંદિરના કૃષ્ણમણીજી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા પ્રમુખ ભરત ફલીયા, ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ, શિવસેનાના દિલીપ આહિર, બજરંગદળના આગેવાનો, કાર્યકરો ઉપરાંત મેયર હસમુખ જેઠવા, ધારાસભ્ય રાઘવજી પટેલ, ડેપ્યુટી મેયર કરશન કરમુર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, પ્રો. વસુબેન ત્રિવેદી, જીતુ લાલ, ડો. વિનુ ભંડેરી, દિવ્યેશ અકબરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડ, અશોક નંદા, મુકેશ દાસાણી સહિતના વિશાળ સંખ્યામાં નગરજનો જોડાયા હતાં.