જામનગર, તા.૧૮
રાજ્યમાં આંતરિક વિમાન સેવા હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. જો કોઈ ફેરફાર ન થાય તો આવતા મંગળવારથી જામનગર અને દ્વારકાથી વિમાન અમદાવાદ માટે ઊડાન ભરશે.
લાંબા સમયની રાહ જોવરાવ્યા પછી હવે રાજ્યમાં આંતરિક હવાઈ સેવા શરુ થવા જઈ રહી છે. ગુજરાતમાં એર ઓડિશાના વિમાનો મોટા શહેરોમાંથી અમદાવાદ સુધીની ઊડાન ભરશે. મળતી માહિતી મુજબ તા.ર૩.૧.ર૦૧૮થી આ વિમાન સેવાનો પ્રારંભ થનાર છે.
જામનગર અને દ્વારકા (મીઠાપુર)થી અમદાવાદની વિમાન સેવા શરુ થઈ રહી છે. જેનું ભાડું જામનગરથી ૧૭પ૦ રુપિયા અને મીઠાપુર (અમદાવાદ)થી રુા. ર૧૦૦નું નક્કી થયું છે.
આ વિમાન ૧૮ યાત્રિકોની ક્ષમતાવાળું રહેશે. ઊડે દેશ કા આમ નાગરિક ‘ઊડાન’ નામની સરકારની યોજના અન્વયે રાજ્યમાં આંતરિકે હવાઈ સેવા સસ્તા દરે પૂરી પાડવા માટે ગુજરાતમાં એર ઓડિશાની પસંદગી કરવામાં આવી છે.
આ હવાઈ સેવા રવિવાર સિવાયના તમામ દિવસે મળશે. બી.ઈ. ૧૯૦૦ ડી નામનું આ એર ક્રાફ્ટ અમદાવાદથી સવારે ઊડાન ભરશે. જામનગર ૧૧.૦પ કલાકે પહોંચશે તથા જામનગરથી ૧૧.ર૦ કલાકે ઊડાન ભરશે.
તેવી જ રીતે અમદાવાદથી સાંજે ચાર વાગ્યે દ્વારકા (મીઠાપુર) માટે ઊડાન ભરશે અને સાંજે સવાપાંચ વાગ્યે મીઠાપુર આવી પહોંચશે તથા સાંજે સાડાપાંચ વાગ્યે અમદાવાદ માટે રવાના થશે.
આમ રાજ્યના લોકો જેની લાંબા સમયથી રાહ જોતા હતાં તે રાજ્યમાં આંતરિક હવાઈ સેવાનો આખરે ટૂંક સમયમાં જ પ્રારંભ થયો છે. એર ઓડિશાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જો કોઈ ફેરફાર ન થાય તો મંગળવાર તા.ર૩.૧.ર૦૧૮થી આ સેવા શરુ થઈ રહી છે.