જામનગર તા. ર૦
‘ઊડાન’ સેવા શરૃ થયાના બે દિવસમાં જ તેનો ફિયાસ્કો થયો છે. ફ્લાઈ સર્વિસ શરૃ થવાના બીજા જ દિવસે જામનગર-અમદાવાદ ફ્લાઈટ રદ થઈ છે. આ ફ્લાઈટ માટે અગાઉથી બુકિંગ પણ કરાયું હતું જેના કારણે મુસાફરો અટવાયા છે.
તા. ૧૭ ફેબ્રુઆરીના સવારે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આ સર્વિસને ગ્રીન સિગ્નલ આપ્યું હતું. એર ઓડિસા દ્વારા શરૃ કરાયેલી સર્વિસના પ્રથમ તબક્કામાં અમદાવાદથી જામનગર-ભાવનગર, દિવ, મુદ્રા સુધીની ફ્લાઈટ સર્વિસ શરૃ કરાઈ છે, પરંતુ ગઈકાલે જ જામનગર-અમદાવાદ વચ્ચેની હવાઈ સેવા ખોરવાઈ ગઈ હતી.
જામનગરમાં સાંસદ પૂનમબેન માડમે પત્રકારો અને નાગરિકોની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી હતી, પરંતુ જામનગરને હવાઈસેવાનો લાભ મળ્યો નહીં. લેન્ડીંગની એન.ઓ.સી. વગર જ ‘ઊડાન’ સેવાનો પ્રારંભ કરાયો હતો. એરપોર્ટ ઓથોરિટી પાસેથી એન.ઓ.સી. નહીં મળતા ફલાઈટ રદ કરવામાં આવી છે. એન.ઓ.સી. ન મળતા ફ્લાઈટને લેન્ડીંગની મંજુરી મળી નથી.
અમદાવાદ એરપોર્ટમાં આ ફ્લાઈટને લેન્ડીંગની પરવાનગી જ નથી આમ કોઈપણ આયોજન વગર જ ઊડાન સેવા શરૃ કરી દેવાઈ હતી જેને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી છે. એજન્સીના જણાવ્યા અનુસાર ર૮ તારીખ સુધીનું બુકીંગ થયું છે. હવે આ સર્વિસ રર, ફેબ્રુઆરીથી ફરી શરૃ થાય તેવી શક્યતા છે. આમ રૂપિયા આપીને પણ પેસેન્જરોને સુવિધા મળી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ ત્રણ વખત આંતરરાજ્ય હવાઈ સેવા શરૃ કરાઈ હતી અને તેનું બાળમરણ થયું હતું.