(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૩૦
જામનગરના દિગ્વિજય પ્લોટ તથા લાલવાડી રોડ પરથી ગઈકાલે પોલીસે આઈપીએલની ટી-ટ્‌વેન્ટી મેચ પર સટ્ટો રમાડતા ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. બે પન્ટરના મોબાઈલમાંથી કેટલાક અન્ય શખ્સોના નામ મળ્યા છે. બંને સ્થળો પરથી કુલ રુા. સાડા ત્રણ લાખનો મુદ્દામાલ સાંપડ્યો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૪૯માં આવેલી પાનની એક દુકાન પાસે ઊભો રહી એક શખ્સ હાલમાં ચાલતી આઈપીએલ ટી-ટ્‌વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટની ગઈકાલની સનરાઈઝ-હૈદરાબાદ તથા કિંગ્સ ઈલેવન પંજાબની ક્રિકેટ ટીમ વચ્ચે રમાતા મેચ પર સટ્ટો રમી રહ્યો હોવાની બાતમી સીટી-એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલી મહેશ પાન નામની દુકાન પાસેથી જીજ્ઞેશ લક્ષ્મણભાઈ શ્રીમાળી નામનો શખ્સ પોતાના મોબાઈલમાંથી રનફેર, વિકેટ સહિતના સોદા કરતો મળી આવ્યો હતો. પોલીસે તેના કબજામાંથી રુા.૧૨,૨૦૦ રોકડા, એક મોબાઈલ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
ત્યારપછી હાપા રોડ પર આવેલી લાલવાડીના શાંતિવન સોસાયટીવાળા રોડ પર પૂર્વબાતમીના આધારે દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ એ.એસ.ગરચર તથા સ્ટાફે દરોડો પાડી ક્રિકેટનો ડબો પકડી પાડ્યો છે. ત્યાં ગઈકાલની આઈપીએલની ટી-ટ્‌વેન્ટી મેચ પર સટ્ટો રમાડતા અનિલ દેવરાજભાઈ શાહ, દિનેશ નરશીભાઈ હરસોડા નામના બે શખ્સો પોલીસની ગિરફતમાં આવી ગયા હતા. આ શખ્સો ઈન્ટરનેટથી પોતાના મોબાઈલ પર મેચનું પ્રસારણ નિહાળી સટ્ટો રમાડતા હતા. તેઓની પાસેથી મળેલા છ મોબાઈલમાંથી મહેન્દ્ર બુધિયો, સન્ની જાડેજા, બંટી મહાજન, ભૂરો સિંધી તથા ૪૯ નંબર વગેરે પન્ટરના સગડ મળ્યા છે. પોલીસે આ શખ્સોના કબજામાંથી રુા. ૨૧,૧૫૦, જીજે ૧૦ એપી ૨૪૨૬ નંબરની સ્વીફ્ટ મોટર મળી કુલ રુા. ૩,૫૪,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.