જામનગર, તા.ર૪
જામનગરના સિક્કામાં આવેલી એક સોસાયટીમાં રહેતા એક યુવાને પોતાની પત્ની દ્વારા કરવામાં આવતા ઘરકંકાસથી કંટાળી જઈ પંખાના હુંકમાં ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે મૃતકના માતાનું નિવેદન લીધું છે. જ્યારે જામજોધપુરના સંગચીરોડા ગામના એક યુવાને પત્નીના મેણા સહન ન થવાથી ચાર દિવસ પહેલા વિષપાન કર્યા પછી તે યુવાનનું હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજ્યું છે. બંને બનાવની પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલી સોસાયટીમાં રહેતા મનસુખ મૂળજીભાઈ ઢચા નામના યુવાને ઘરમાં પંખાના હુંકમાં ચૂંદડી વડે ગાળીયો પરોવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની તેમના પરિવારજનોને જાણ થતા તાત્કાલિક મનસુખને ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. તેમછતાં આ યુવાનને બચાવી શકાયા નથી. તેઓના શ્વાસ રૂંધાઈ જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા સિક્કા પોલીસ સ્ટેશનના જમાદાર આર.કે. ગઢવી દોડી ગયા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. નિવેદનમાં જણાવાયા મુજબ પત્ની પુંજીબેન અવારનવાર ઝઘડો કરી ઘરમાં કજીયા કરતા હતાં. તેના કારણે કંટાળી ગયેલા મનસુખે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામજોધપુર તાલુકાના સંગચીરોડા ગામમાં રહેતા દલીત અરવિંદભાઈ માધાભાઈ વાગડ (ઉ.વ.૩૮) નામના યુવાને ગયા બુધવારે પોતાની જાતે કોઈ ઝેરી દવા પી લીધી હતી. દવાની અસર થતા બેશુદ્ધ બની ગયેલા અરવિંદભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેમાં આ યુવાને પોતાના પત્નીના મેણાં સહન ન થતા હોય, પોતે આ પગલું ભર્યાની કેફિયત આપી હતી. સારવાર દરમિયાન અરવિંદભાઈનું શનિવારે સાંજે મૃત્યું નિપજતા ડોકટર એસ.એસ. પટેલે પોલીસને જાણ કરી હતી. શેઠવડાળા પોલીસ સ્ટેશનના જમાદાર એસ.બી. બોરીચાએ મૃતદેહનું પીએમ કરાવ્યું છે.