જામનગર, તા.૨૨
જામનગરના આમરા-જીવાપર ગામ વચ્ચે એક ટેન્કરમાંથી ડીઝલ કાઢવામાં આવતું હોવાની પોલીસને બાતમી મળતા દોડી ગયેલી સિક્કા પોલીસે ડીઝલ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું છે.
જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલી નયારા ઓઈલ કંપનીમાંથી જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાદરખી ગામના રફીકખાન ઈબ્રાહીમખાન બેલીમ નામના આસામીએ પોતાના પેટ્રોલ પંપ માટે વીસ હજાર લીટરનો પેટ્રોલ-ડીઝલનો જથ્થો મંગાવ્યો હતો. તેના માટે વૈકટેશ પેટ્રોલીયમ કંપનીનું જીજે-૧૮-એયુ-૯૦૭૭ નંબરનું ટેન્કર મોકલવામાં આવ્યું હતુું.
આ ટેન્કરમાં નટવરલાલ કરશનલાલ ચૌહાણ અને ભુપત લાલજીભાઈ ગોવીંદીયા નામના શખ્સો ડીઝલ ભરીને નયારા કંપનીમાંથી નીકળ્યા પછી જામનગર તાલુકાના આમરા ગામ તરફ વળી ગયા હતાં. આ શખ્સોએ ભાવેશ પ્રભાતભાઈ ડાંગર તેમજ આમરા નજીકના જીવાપર ગામના મુન્નાભાઈ નામના બે શખ્સોને ટેન્કરમાંથી ડીઝલ કાઢી આપવાનું શરૃ કર્યું હતું. આ બાબતની પોલીસને જાણ થતા સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફ આમરાથી જીવાપર વચ્ચેના રોડ પર દોડી ગયા હતાં. જ્યાંથી નટવરલાલ, ભુપત અને ભાવેશ મળી આવ્યા હતાંં.પોલીસે ત્રણેય શખ્સોની પુછપરછ કરતા તેઓ મુન્નાભાઈના કહેવાથી ડીઝલ કાઢતા હોવાનું જણાવ્યું હતું.