(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૬
જામનગરની કામદાર કોલોનીમાં રહેતા અને કેવલ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા હસમુખ વેલજીભાઈ શાહે પોતાની જરૂરિયાત માટે કીર્તિકુમાર મનસુખલાલ પરમાર પાસેથી ચાર વાર એક-એક લાખ રૂપિયા હાથ ઉછીના લઈ ચાર ચેક આપ્યા હતા જ્યારે તેઓના ભાઈ અને કેવલ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના નામથી વ્યવસાય કરતા મિતેશભાઈ વેલજીભાઈ શાહે પણ કીર્તિકુમાર પાસેથી રૂપિયા ૧ લાખ ઉછીના મેળવી ચેક આપ્યો હતો. આ પાંચે ચેક એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત ફરતા કીર્તિકુમારે બન્ને ભાઈઓ સામે અદાલતમાં પાંચ ફરિયાદ નોંધાવી હતી. કેસ ચાલવા પર આવતા અદાલતે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આરોપી હસમુખભાઈ વેલજીભાઈને ચારે કેસમાં તક્સીરવાન ઠરાવી એક કેસમાં બે વર્ષની કેદ એમ કુલ આઠ વર્ષની કેદ અને રૃપિયા ૮ લાખનો દંડ ફરમાવ્યા છે. આ ઉપરાંત આરોપી મિતેશભાઈ વેલજીભાઈને એક ચેક પરતના કેસમાં બે વર્ષની કેદ, રૃપિયા બે લાખનો દંડ, દંડ ભરવામાં ન આવે તો વધુ ૩ મહિનાની કેદની સજા ફરમાવવામાં આવી છે.