જામનગર, તા.૨૪
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પાછલા બારણેથી એસટી બસોનું ખાનગી ઓપરેટરોને સંચાલન સોંપવાનો કારસો ઘડવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં જામનગર જિલ્લાની ૧૫૦ બસોનું ખાનગી કરણ થાય તેવી શકયતા છે આમ થવાથી કર્મચારીઓને ખૂબ જ તકલીફ પડશે કેટલાક કર્મચારીની હકાલપટ્ટી થવાની સંભાવના છે ત્યારે કર્મચારીઓમાં ઉગ્ર રોષની લાગણી જન્મી છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મોટા ભાગના એસ.ટી. બસ સ્ટેન્ડને આધુનિકરણ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે, જો કે, જામનગરમાં પણ રૂા. ૬૦ કરોડના ખર્ચે ચાર વર્ષ પહેલાં સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, જામનગરના બસ સ્ટેન્ડને અત્યાધુનિક બનાવવામાં આવશે, પરંતુ રાજકોટના બસ સ્ટેન્ડની કામગીરી શરુ થઇ ચૂકી હોય પરંતુ જામનગરની એસ.ટી. બસ સ્ટેન્ડની જાહેરાત પહેલાં થઇ ગઇ હોય પરંતુ હજુ સુધી નબળી નેતાગીરીને કારણે આ કામ હજુ સુધી શરૂ થઇ શક્યું નથી. જામનગરની ૧૫૦ જેટલી બસોનું ખાનગીકરણ કરવાની હીલચાલ થઇ રહી છે, રાજકોટની બસો, ભાવનગરની બસો, જૂનાગઢની બસોનું પણ ખાનગીકરણ થાય અને ઓપરેટરોને સંચાલન સોંપવામાં આવે તેવી નીતિ ઘડવામાં આવી રહી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જો કે, એસ.ટી. કર્મચારી મહામંડળ આ નિર્ણય સામે ખફા છે, કારણ કે તાજેતરમાં જ તા. ૧૫ ના રોજ મળેલી બેઠકમાં ખાનગીકરણની આ નીતિ સામે જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો, આમ થવાથી એસ.ટી. ડેપોને તાળા લાગી જશે અને કેટલાંક ડ્રાયવર-કંડક્ટરની પણ છટણી કરવામાં આવશે, જો આમ થશે તો કેટલાંક લોકો બેરોજગાર બની જશે, કર્મચારીઓના જણાવ્યા મુજબ આ મુદ્દે સરકાર જો ન્યાયરૂપી વલણ અખત્યાર નહી કરે તો તેની વિપરીત અસર પડશે.