જામનગર, તા.૧પ
જામનગર જિલ્લામાં તા.૧૪મી નવેમ્બરે બપોર પછી ૧થી ૨ ઈંચ જેવો વરસાદ પડતાં ખેડૂતોના મગફળી, કપાસ, તલના પાકને ભારે નુકસાન થયું છે. ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલે જામનગર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાની સામે યોગ્ય સહાય જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ, લાલપુર, ધ્રોલ, જોડિયા અને જામજોધપુર તાલુકાઓમાં ભારે પવન સાથે પડેલા ૧થી ૨ ઈંચ સુધીના કમોસમી વરસાદના કારણે આ જિલ્લાના ખેડૂતોના ચોમાસુ પાકો જેવા કે, મગફળી, કપાસ અને તલના પાકને ભયંકર નુકસાન થયું છે. જેથી ખેડૂતોને આ રોકડિયા પાકો માટે કરેલ ખર્ચા તથા મહેનત કુદરતી આફતના કારણે લગભગ નિષ્ફળ ગયા છે અને ખેડૂતોના મોંમાથી કોળિયો ઝૂંટવાઈ ગયો છે.
જે ખેડૂતોએ મગફળી કાઢેલ છે અને પાથરા ખેતરમાં પડેલ છે. તેને આ વરસાદના કારણે મગફળીના ડાળખા, પાંદડા અને ચારો બગડી ગયેલ છે. જેથી ખેડૂતોને વિઘા દીઠ રૂા.૪૦૦૦ના ચારાની નુકસાની સહન કરવી પડે તેમ છે. ઉપરાંત મગફળીનો વિણાટ જમીનમાં રહી જવાથી ઉગી જશે અને જે મગફળી બચેલ છે. તેના પર વરસાદી પાણી પડવાથી તેના ભાવમાં અંદાજીત અડધો ભાવ આવશે ઉપરાંત જે મગફળી ઊભી છે તે પાકી જવાથી જમીનમાં જ ઉગી જશે, આમ મગફળીના પાકમાં ખેડૂતોને ભયંકર નુકસાની વેઠવી પડી છે.
ભારે પવન અને વરસાદના કારણે કપાસની ડાળીઓ ભાંગી ગયેલ છે. ફૂલ અને ઝીંડવા ખરી ગયેલ છે અને ખૂલેલ કપાસના રૂમાં વરસાદી પાણી પડવાથી રૂ પણ બગડી જશે. જેના પરિણામે કપાસના ઉભા પાકને અંદાજીત ૭પ ટકાથી વધુ નુકસાની થઈ છે. તલીના ઉભડા વરસાદ અને ભારે પવનના કારણે પડી જતાં તલ પણ ખરી ગયેલ હોય તે પાક પણ મોટે ભાગે નિષ્ફળ ગયેલ છે. આમ જામનગર જિલ્લાના ખેડૂતોના ચોમાસુ સિઝનના રોકડિયા મુખ્ય પાકો મગફળી, કપાસ અને તલ આ ભારે વરસાદના કારણે મહત્તમ નુકસાન પામતા ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ નુકસાન જિલ્લાના કોઈ એક ગામ પૂરતું નથી. પરંતુ સમગ્ર જામનગર જિલ્લાને આવરી લેતું હોય, સરકાર જામનગર જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે સામૂહિક રીતે આર્થિક સહાયની યોજના જાહેર કરી ખેડૂતોને આ કુદરતી પાયમાલી આફતમાંથી ઉગારી લે અને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તેવી રજૂઆત કરવામાં આવી છે.