જામનગર, તા.૩૧
જામનગરમાં છેલ્લા બે દિવસથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.રાત્રે પણ ફક્ત ત્રણ મિનિટના અંતરે ભૂકંપના બે ઝાટકા અનુભવાયા હતાં.
જામનગર જિલ્લામાં છેલ્લા લગભગ ચારેક માસથી સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને જામનગર જિલ્લાના કાલાવડ, લાલપુર પંથકમાં આ હલચલ જોવા મળી રહી છે. ગત્‌ રાત્રે ર.૪૪ કલાકે ૧.૯ રીક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ લાલપુરથી ૪૦ કિ.મી. દૂર નોંધાયું હતું, જ્યારે ફક્ત ત્રણ મિનિટના અંતરે એટલે કે રાત્રે ર.૪૭ કલાકે ર.૩ રીક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ જામનગરથી ર૮ કિ.મી. દૂર નોંધાયું હતું. આમ બે દિવસમાં બે વખત ધરતીની હલચલ જોવા મળતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.