જામનગર, તા.૧૨
જામનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં અપૂરતા અને કેટલાંક તાલુકાના ગામડાઓમાં નહીંવત વરસાદ પડતાં જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. હજી તો શિયાળાનો આરંભ થયો છે ત્યાં જ અનેક ગામડાઓમાંથી પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે અને આગામી દિવસોમાં આ સ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા છે. આવતા વર્ષના ચોમાસાના જૂન મહિના સુધી ગામડાઓમાં પાણી પહોંચાડવા માટે સરકારે ટેન્કરો દ્વારા પાણી વિતરણનું આયોજન કર્યું છે.
જામનગર જિલ્લામાં ૪૩૧ ગામ પૈકી ૧૬૧ ગામમાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ માટે રૂા.૨૪૪.૨૭ લાખ સહિત અછતની સ્થિતિ માટે કુલ રૂા. ૪૫૬.૮૨ લાખનો ખર્ચ કરવામાં આવશે.સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવશે અને તેમાં જામનગર જિલ્લાના ૧૯ ડેમોને પણ પાણીથી ભરી દેવાની જાહેરાતો થઈ હતી. પણ આજ સુધી સૌની યોજનામાંથી જામનગર જિલ્લાના એક પણ ડેમમાં નર્મદાનું એક ટીપું પણ પાણી આવ્યું નથી. જોડીયા તાલુકાના એક ડેમમાં પાણી છોડવાના કામનું ઉદ્દઘાટન વડાપ્રધાનના હસ્તે થયું હતું. આ ડેમમાં ગામલોકોએ રાખીને સરકારની નિષ્ફળતા સામે વિરોધ દર્શાવ્યો હતો. આ ડેમની જેમ જિલ્લાના મોટાભાગના ડેમ ખાલીખમ થઈને કોરાધાકોડ મેદાન બની ગયા છે !
ગામડાના લોકો સરકારની જાહેરાત અને આયોજન પ્રમાણે નિયમિત રીતે પૂરતા પ્રમાણમાં પાણી મળે તેની રાહ જોઈ રહ્યા છે.