(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.ર૩
જામનગર જિલ્લામાં વકરી રહેલા રોગચાળા અન્વયે આરોગ્ય તંત્ર દ્વારા આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે. સિક્કામાં સર્વેલન્સ કામગીરી દરમિયાન તાવના ૬૦ કેસ નોંધાયા હતાં.જામનગર જિલ્લામાં મેલેરીયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આનુસંગિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી સુધીમાં ડેન્ગ્યુ અને મેલેરીયાના ૩૭ કેસ નોંધાયા હતાં. જેમાં સિક્કા ગામમાં ડેન્ગ્યુના સાત અને મેલેરીયાના બે કેસનો સમાવેશ થાય છે. આથી રોગચાળો વધતો અટકાવવા માટે તાલુકા હેલ્પ ઓફિસર ડો. આર.બી. ગુપ્તા, જિલ્લા મેલેરીયા અધિકારી જે.એન. પાટકર વિગેરેની આગેવાનીમાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી. સિક્કામાં ફિલ્ડ વર્ક કામગીરી દરમિયાન ૩૬૩૨ ઘરની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તાવના ૬૦ કેસ જોવા મળ્યા હતાં. અહીં દવાનું વિતરણ, દવા છંટકાવ, પાણી ભરેલ ખાડામાં બળેલ ઓઈલ નાંખવું, મોટા ભક્ષક ગપ્પી માછલી નાંખવી વગેરે કામગીરી કરવામાં આવી હતી. ૪પ મકાનોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું અને જે મકાનોમાં તપાસ કરવામાં આવી તેમાં તમામ લોકોના લોહીના નમુના પણ લેવામાં આવ્યાં હતાં.