(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૧
જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતોમાં આગામી તા.ર૦મી જૂને પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાનાર છે. તેવી જ રીતે જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પણ ર૦મી જૂને યોજાશે. હાલની સતાવાર સ્થિતિ પ્રમાણે છ તાલુકા પંચાયતોમાંથી એકમાત્ર ધ્રોલ તાલુકા પંચાયતમાં ભાજ૫નું શાસન છે. બાકી પાંચ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયતની અઢી વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં જામનગર તાલુકા પંચાયતમાં ર૬ બેઠકોમાંથી કોંગ્રેસે ૧૭ અને ભાજપે નવ, કાલાવડ તાલુકા પંચાયતમાં ૧૮ બેઠકોમાંથી કોંગ્રેસે ૧૬ અને ભાજપે બે બેઠકો, ધ્રોલ તાલુકા પંચાતયમાં ૧૬ બેઠકોમાંથી કોંગ્રેસે ૧૪ અને ભાજપે બે બેઠકો, જોડિયા તાલુકા પંચાયતમાં કુલ ૧૬ બેઠકોમાંથી કોંગ્રેસે ૧ર અને ભાજપે ચાર બેઠકો, લાલપુર તાલુકા પંચાયતમાં કુલ ૧૮ બેઠકોમાંથી કોંગ્રેસે ૧ર અને ભાજપે ૬ બેઠકો તેમજ જામજોધપુર તાલુકામાં કુલ ૧૮ બેઠકોમાંથી કોંગ્રેસે ૧૧ અને ભાજપે ૭ બેઠકો મેળવી હતી. અને છએ છ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે બહુમતિ સાથે સત્તા કબજે કરી હતી. પરંતુ ગુજરાતની રાજયસભાની ચૂંટણીના સમયે કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ભાજપમાં જોડાયા અને તેમના પ્રયાસોથી ધ્રોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના કેટલાક સભ્યો ભાજપમાં જોડાય જતાં હાલ ધ્રોલ તાલુકા પંચાયતમાં ભાજપ પાસે સત્તા છે. પંચાયતના રાજકારણમાં તા.ર૦મી જૂને યોજાનાર ચૂંટણીમાં જામનગર તાલુકા પંચાયતમાં ચાલી રહેલા સખળ ડખળના કારણે નવા જૂની થાય તેવી શક્યતા છે જ્યારે બાકીની તાલુકા પંચાતમાં કોંગ્રેસ પોતાની બહુમતિ સાથે સત્તા જાળવી રાખશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
જિલ્લા પંચાયત
જામનગર જિલ્લા પંચાયતના પ્રમખ મુળજીભાઈ વાઘેલાની મુદ્દત પૂર્ણ થતાં તા.ર૦મી જૂને પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર છે. હાલમાં જામનગર જિલ્લા પંચાયતમાં કુલ ર૪ બેઠકોમાંથી ૧૭ બેઠકો સાથે કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતિ છે. જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસના સભ્યોની તોડફોડ માટે પ્રયાસો અગાઉ પણ થયા હતા અને ચૂંટણીના સંદર્ભમાં પણ ચાલ રહ્યા છે. પરંતુ રાજકિય અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને વાંધો નહીં આવે…!