જામનગર, તા.ર૧
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ તથા વાવાઝોડાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને કરોડો રૃપિયાનું નુકસાન થયું છે. રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપવાની મોટી મોટી વાતો કરે છે અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે રૂા. ૭૦૦ કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂતોને મૂર્ખ બનાવે છે.
આ સંજોગોમાં જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણીએ રાજ્યના મુખ્યમંત્રી વિસ્તૃત આવેદનપત્ર પાઠવી જામનગર જિલ્લામાં ખેડૂતોના પાકને થયેલા વ્યા૫ક નુકસાન અંગે તાકીદે સર્વે કરાવી જામનગર જિલ્લા માટે રૃપિયા એક હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવા માંગણી કરી છે.
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ચોમાસુ પાકને તો નુકસાન થયું જ છે. પણ હવે રવિ પાકના વાવેતર સમયે પણ કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકના વાવેતરનો સમય વીતી જાય તેવી ભીતી સર્જાઈ છે. આ બાબતને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતો બરબાદ થઈ ગયા છે.
જામનગર જિલ્લામાં ખેડૂતોની કરોડો રૃપિયાની મગફળી પલળી ગઈ છે. જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે તોફાની પવનને કારણે કપાસ સહિત તમામ પાકનો સોથ વળી ગયો છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિને કારણે ખેડૂતોને હાલત દયનિય થઈ ગઈ છે. સરકારના મતે ૧૦ ટકાની આસપાસ જ ખેડૂતોને નુકસાન થયાનું ગણવામાં આવે છે. સરકારે કરેલી જાહેરાત મુજબ ૫ાક વીમો ઉપરાંત ૭૦૦ કરોડની સહાયમાં ૫૦૦ કરોડ તો કેન્દ્ર સરકાર ચૂકવવાની છે. રાજ્ય સરકારે તો ફક્ત ૨૦૦ કરોડ જ ચૂકવવાના છે. રાજ્ય સરકાર સર્વેની કામગીરીમાં પણ સરકારી સર્વેમાં નુકસાનીનો આંકડો ઓછો બતાવી ખેડૂતોને મૂર્ખ બનાવે છે. આ તમામ પરિસ્થિતિ જોતા રાજ્ય સરકાર તાત્કાલીક ધોરણે ખેડૂતોને જામનગર જિલ્લામાં પૂરતું પેકેજ જાહેર કરે તેવી માંગણી છે.