જામનગર, તા.ર૭
જામનગરમાં જિલ્લા ૫ંચાયત કચેરી પાસે આજે સવારે દોડી આવેલા નોકરીવાંચ્છુ બે યુવાનોએ આત્મવિલોપનનો પ્રયત્ન કરતા ત્યાં અગાઉથી જ હાજર પોલીસે બંને યુવાનોને આત્મવિલોપન કરતા અટકાવી તેઓને અટકાયતમાં લઈ લીધા હતા.
આ બનાવની વધુ વિગત મુજબ બંને યુવકોએ જામનગર જિલ્લા પંચાયતમાં થયેલી ભરતી પ્રક્રિયા સામે ગોલમાલનો આરોપ મૂકી અગાઉ રજૂઆત કરી હતી. તેઓના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં જિલ્લા પંચાયતમાં આરોગ્ય કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી જેમાં અમાન્ય યુનિવર્સિટીના પ્રમાણપત્ર પણ સ્વીકારી લઈ ગેરરીતિ કરાઈ હતી. તેથી માન્ય યુનિ.ના પ્રમાપપત્ર ધરાવતા નોકરીવાંચ્છુઓ હાથ ઘસતા રહી ગયા હતા. ઉપરોક્ત બાબતની સતત અઢી વર્ષથી સંખ્યાબંધ વખત મૌખિક તેમજ લેખિતમાં ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં યોગ્ય પગલાં ભરવામાં આવ્યા ન હોય કાલાવડના આ બંને ઉમેદવારોએ થોડા દિવસો પહેલાં જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી આત્મવિલોપનની ચિમકી પણ આપી હતી. તેનો અમલ કરવા માટે આજે બંને ઉમેદવારો જ્યારે જિલ્લા પંચાયત કચેરીએ આવ્યા ત્યારે અગાઉથી જ સતર્ક બની હાજર પોલીસ કાફલાએ બંનેની અટકાયત કરી હતી.