જામનગર, તા.૧૧
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા આખરે નવ મહિનાના વિરામ પછી શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ કરવા માટે મંજૂરી અપાતાં અને ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટેની છૂટ અપાતાં આખરે જામનગર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે, અને પ્રથમ દિવસે ધોરણ ૧૦ અને ૧૨ ના ૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં જોડાયા છે. જેઓને સરકારની ગાઈડલાઈન મુજબ શાળામાં પ્રવેશ અપાયો હતો અને સોશિયલ ડિસ્ટન્સનું જરૂરી પાલન કરાવાઈ રહ્યું છે. જામનગર જિલ્લામાં આવેલી ૧૦૯ ગ્રાન્ટેડ શાળા, ૩૮ સરકારી શાળા અને ૧૬૫ સેલ ફાઈનાન્સ શાળા સહિત કુલ ૩૦૦થી વધુ શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો માટેનું શિક્ષણ કાર્ય શરૂ કરી દેવાયું છે.
જામનગર શહેરમાં અંદાજે ૧૮ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ગ્રામ્યના ૧૯ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે જે પૈકી ૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જુદી-જુદી શાળાઓમાં સંમતિ પત્ર મોકલી અપાયા હતા, તેવા વિદ્યાર્થીઓને આજથી શાળામાં પ્રવેશ અપાયો છે અને શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જામનગર શહેર અને જિલ્લાની કેટલીક શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ માટે શાળામાં પૂનઃ પ્રવેશ અંગેનો કાર્યક્રમ પણ રખાયો હતો અને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. શાળામાં પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓની સૌપ્રથમ થર્મલ ગનથી ચકાસણી, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા ઉપરાંત માસ્ક ફરજિયાત પણે પહેરવાના નિયમોનું ચુસ્તપણે પાલન અને અમલવારી કરવામાં આવી હતી. જો કોઈ વિદ્યાર્થી શાળામાં માસ્ક વિના પ્રવેશે તો તેને શાળા તરફથી માસ્ક આપવા માટેની પણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વિડીયો કોન્ફરન્સ મારફતે ખાસ સૂચના આપવામાં આવી હતી.