જામનગર, તા.૭
જામનગર જિલ્લામાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિને જન્મ લેનાર દીકરીને મમતાકીટ અને ચાંદીના સિક્કાની ભેટ અપાશે. આવતીકાલે તારીખ ૮ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે ૭ માર્ચના રાત્રિના ૧ર વાગ્યાથી ૮ માર્ચ રાત્રિના ૧ર વાગ્યા સુધીમાં સરકારી કે ખાનગી હોસ્પિટલ અથવા કોઈપણ સ્થળે જન્મ લેનાર દીકરીને નન્હીપરી અવતરણ યોજનાના ભાગરૂપે ચાંદીનો પાંચ ગ્રામનો સરસ્વતી-લક્ષ્મીના માર્કાવાળો સિક્કો અને મમતા કીટ અર્પણ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિને સરકાર તેમજ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશમાં પણ તેની ઉજવણી કરવામાં આવશે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહિલા દિવસે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. સરકારની સૂચના પ્રમાણે જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહિલા દિવસે ‘નન્હી પરી અવતરણ યોજના’ સંદર્ભે મહિલા દિનનું આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે સમગ્ર જામનગર જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અથવા તો કોઈપણ ખાનગી કે ટ્રસ્ટની હોસ્પિટલમાં મહિલા દિને જન્મ લેનાર દીકરીને એક ચાંદીનો સિક્કો, મમતાકીટ કે જેમાં ઝબલુ, ટોપી, મોજા અને સફાઈની સામગ્રી, એક મીઠાઈનું પેકેટ અને ગુલાબનું ફૂલ શુભેચ્છા સ્વરૂપે વિવિધ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવશે. તેના માટે કલેક્ટર રવિશંકર અને જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડ્યાની સૂચના પ્રમાણે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું છે.