જામનગર, તા. ૫
જામનગરની જી.જી. હોસ્પિટલના ઓર્થોપેડીક વોર્ડની ઓ.ટી.માં ગઈરાત્રે એકાદ વાગ્યે શોર્ટ-સર્કીટના કારણે આગનું છમકલું થયું હતું. તાકીદે દોડી ગયેલા ફાયરના જવાનોએ આગને પ્રસરતી અટકાવી હતી.
જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના ઓર્થોપેડીક વોર્ડના ઓપરેશન થિયેટરમાં ગઈરાત્રે એકાદ વાગ્યે અચાનક જ ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જેના પગલે હાજર લોકોએ અગ્નિશમનની કામગીરી હાથ ધરવા ઉપરાંત ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો જી.જી.હોસ્પિટલમાં ધસી ગયો હતો.ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને તુરંત કાબૂમાં લઈ લીધી હતી. આગ વધુ વિકરાળ બની હોત તો શું થયું હોત તેની કલ્પના ધ્રુજારી છોડાવી દે તેવી છે. આગના કારણે ઓપરેશન થિયેટરમાં રહેલો થોડો-ઘણો લાકડાનો સામાન નાશ પામ્યો હતો. આગ જો વિસ્તરી હોત તો ઓપરેશન થીયેટરની આજુબાજુમાં આવેલા વોર્ડમાં ઈન્ડોર પેશન્ટ તરીકે રહેલા દર્દીઓ કઈ રીતે પોતાનો જીવ બચાવી શક્યા હોત ?