જામનગર, તા.ર૧
જામનગરના રણજીત રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંક પાસેની ચૌહાણફળીની શેરી નં. ૨માં જુગાર રમાય રહ્યો છે તેવી અરજી કોઈએ પોલીસમાં કરતા આ નનામી અરજીના અનુસંધાને તપાસ માટે સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની દરબારગઢ પોલીસ ચોકીના સ્ટાફના ચંદ્રકાંત દામજીભાઈ પટેલ, અજય ભીમજીભાઈ ચાવડા, મયુરસિંહ જાડેજા તથા ધર્મેન્દ્ર હંસરાજભાઈ પટેલ ચૌહાણફળીમાં પહોંચ્યા હતા.
ત્યાં કથિત રીતે બે વૃદ્ધ વ્યક્તિ વર્લીના આંકડાની લેતી-દેતી કરતા જોવા મળતા ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ તે બંને વ્યક્તિઓનું પોલીસ ચોકીએ ચાલવા સૂચના આપી હતી. આ વેળાએ ત્યાં આવી ગયેલા ચૌહાણફળી સહિતના વિસ્તારોના પૂર્વ નગરસેવક અને હાલમાં જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઈ બારડે શું થયું છે તેમ પૂછ્યા પછી આ બંને વ્યક્તિઓને હું પોતે જ પોલીસ ચોકીએ લઈને આવું છું તેમ કહેતા ત્યાં આવેલા ચારેય પોલીસ કર્મચારી ઉશ્કેરાયા હતા. તું કોણ છો ? તને નથી ઓળખતા, તું જવા દે તેમ કહી ઉદ્ધત વર્તન કરી રોફ છાંટતા આકાશભાઈએ પોતે પૂર્વ નગરસેવક અને શિક્ષણ સમિતિના ચેરમેન હોવાની ઓળખાણ આપતા ખાખી વર્દીના મદમાં છકી ગયેલા આ ચારેય પોલીસ કર્મીઓએ તુ ગમે તે હો તેમ કહી આકાશભાઈને માર માર્યા પછી ચૌહાણફળીથી સજુબા હાઈસ્કૂલ સામેની જૂની દિપક ટોકીઝ સુધી રોડ પર મારતા મારતા લઈ જઈ પોલીસ ચોકીએ ખસેડ્યા હતા.
ઉપરોક્ત બાબતની શહેર ભાજપની પાંખમાં પણ જાણ થઈ જતા નગરસેવક કેતન નાખવા, દિવ્યેશ અકબરી, દિનેશ ગજરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી, મેયર હસમુખભાઈ જેઠવા, ડૉ. વીમલ કગથરા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વસંતભાઈ ગોરી, શહેર ભાજપ પાંખના ધર્મરાજસિંહ સહિતના અગ્રણીઓ પોલીસ ચોકીએ દોડી ગયા હતા.
દરબારગઢ પોલીસ ચોકીએ લોકો એકઠા થયા છે તેવી જાણ થતાં જિલ્લા પોલીસવડા શરદ સિંધલ, સિટી ડીવાયએસી એ.પી. જાડેજા અને એલસીબી, એસઓજીનો કાફલો પણ દોડી ગયો હતો. એસપી સિંઘલે રૂબરૂ આકાશભાઈની મુલાકાત લઈ હકીકત જાણ્યા પછી તાત્કાલિક પોલીસ કર્મચારી ચંદ્રકાંત પટેલ, ધર્મેન્દ્ર પટેલ, મયુરસિંહ અને અજય ચાવડાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરી આ ચારેય સામે ગુનો નોંધવાની તજવીજ કરવાની સૂચના આપી હતી. ત્યાર પછી પોલીસના મારથી લોહીલૂહાણ બની ગયેલા અને શરીરના કેટલાક ભાગોમાં મૂંઢમાર વાગવાથી પીડાથી કણસતા આકાશભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની એમએલસી લેવામાં આવી હતી.
જામનગર નગર પ્રાથ. શિક્ષણ સમિતિના ચેરમેનને માર મારતા ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

Recent Comments