જામનગર, તા.૧૫
જામનગરના બેડી વિસ્તારના પૂર્વ નગર સેવક અને તેમના બે પુત્ર, ભાણેજો સામે પોલીસની ફરજમાં રૃકાવટનો ગુન્હો દાખલ થયા પછી પૂર્વ નગરસેવક અદાલત સમક્ષ સરેન્ડર થઈ ગયા હતાં. તેઓને ન્યાયમૂર્તિના નિવાસ સ્થાને રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓએ પોતાને કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ કરતા અદાલતે તેઓને સારવારમાં ખસેડી ઈન્ક્‌વાયરીની કામગીરી હાથ ધરી છે.
જામનગરના બેડી વિસ્તારના પૂર્વ નગરસેવક અને રાજકીય અગ્રણી ફિરોઝભાઈ હુસેનભાઈ પતાણી (કોટાઈ) તથા તેમનો પુત્ર ઉમર પતાણી, યાસીન, ભાણેજ સલમાન અનવરભાઈ બંગાણી, હાજીસુલતાન અલીભાઈ ખફી ઉર્ફે મુન્ના સામે બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ ગઈ તા. ૨૫ના દિને ફરજ રૃકાવટ કરી હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
પૂર્વ નગરસેવકના પુત્ર ઉમરભાઈ બનાવના દિવસે ઢીંચડામાં યોજાયેલા ઉર્ષના એક કાર્યક્રમમાં ગયા હતાં જ્યાંથી નીકળતી વેળાએ તેઓને મોબાઈલ પર કોલ આવતા તેઓ પોતાની મોટર સાઈડમાં રાખી વાત કરતા હતાં ત્યારે ત્યાં આવેલા બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે મોટર સાઈડમાં લેવાનું કહેતા બોલાચાલી થઈ હતી. તે પછી ફિરોઝભાઈ અને તેમના બે પુત્રો અને બે ભાણેજે ગાળો ભાંડી આંખ પર મૂક્કો મારી પોલીસકર્મીની ફરજમાં રૃકાવટ કર્યાની અને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા આઈપીસી ૩૨૩, ૩૩૨, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૮૬, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે પછી ફિરોઝભાઈએ જામનગરની અદાલતમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તે રદ થતા અન્ય આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને ફિરોઝભાઈએ અદાલતમાં સરન્ડર થઈ જવા અરજી કરતા અદાલતે તેઓને કોર્ટ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો. કસ્ટડીમાં લેવાયેલા આરોપીને મેડિકલ પરિક્ષણ કરી પોલીસ કસ્ટડીમાં લેવા અને તપાસ પૂરી થયા પછી મેડિકલ પરિક્ષણ કરી કોર્ટ કસ્ટડીમાં રજુ કરવા અદાલતે જણાવ્યું હતું. તે મુજબ ફિરોઝભાઈને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતાં. ત્યારપછી આરોપી ફિરોઝભાઈને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે એક ન્યાયમૂર્તિના ઘેર રજુ કરવામાં આવ્યા હતાં જ્યાં આરોપીના વકીલે કરેલી દલીલ માન્ય રાખી અદાલતે પોલીસની રિમાન્ડની માંગણી નકારી કાઢી હતી અને આ વેળાએ જ આરોપી ફિરોઝભાઈએ પોતાને પોલીસ કસ્ટડી દરમ્યાન જિલ્લાની એક બ્રાંચને સોંપી આપવામાં આવ્યા હોવાની અને તે બ્રાંચમાં ફિરોઝભાઈને માર મારી ઈલેકટ્રીક શોર્ટ આપવામાં આવ્યો હોવાની ચોંકાવનારી રજુઆત કરતા અદાલતે આરોપીને તબીબી પરિક્ષણ, સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં જ્યાંથી આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે. તેઓની આજે વકીલ મારફત જામીન અરજી અદાલતમાં રજુ થઈ છે. અદાલતે આરોપીને યોગ્ય સારવાર અપાવી કોર્ટ કસ્ટડીમાં સોંપવાનો અને તે બ્રાંચના અધિકારી સામે ધોરણસર પગલાં લેવા, આગળની કાર્યવાહી કરવા ઈન્ક્‌વાયરી પોતાની પાસે રાખી છે.