જામનગર, તા.૯
જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી જી.જી. હોસ્પિટલ સામેની બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં મેનેજરની ફરજ બજાવતા રાજવીરસિંઘ યશપાલસિંઘ તોમરે ગઈકાલે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ નગરના મેહુલનગર પાસેના મહાવીર પાર્કની શેરી નં.૩માં વસવાટ કરતા અને તેઓની બેંકની શાખામાં પટ્ટાવાળાની નોકરી કરતા આશિષ મનહરલાલ બુદ્ધભટ્ટી નામના શખ્સે ગયા જાન્યુઆરી મહિનાથી પંદર તારીખથી અગાઉના કોઈપણ સમયમાં બેંકમાંથી રૂપિયા પાંત્રીસ લાખની ઉઠાંતરી કરી છે.
ઉપરોક્ત બયાન પરથી ચોંકી ઉઠેલા ઈન્વે. પીએસઆઈ વાય.એ. દરવાડિયાએ ફરિયાદ નોંધવાની તજવીજ કરી સિટી ‘બી’ ડિવિઝનના પીઆઈ જી.પી.પરમારને વાકેફ કરતા પીઆઈ પરમારે આ કિસ્સાના તાણાવાણા મેળવ્યા છે. જેમાં ખુલ્યા મુજબ મેનેજર રાજવીરસિંઘે જણાવ્યું છે કે, તા.૧૫ જાન્યુઆરીના દિને બેંકનો કામકાજનો સમય પૂર્ણ થતા હેડ કેશિયર રમેશભાઈ નારોલાએ આજના દિનમાં બેંકમાં જમા થયેલી રકમ તેમજ ઉપાડવામાં આવેલી રકમનો તાળો મેળવતા તેમાં રૂા.પાંત્રીસ લાખની ઘટ આવી હતી. આવડી મોટી રકમ હિસાબમાં ઘટતા હેડ કેશિયરે તાત્કાલીક બેંકના કેશિયર નરેન્દ્રસિંહ જાડેજાને બોલાવી હિસાબ ફરીથી મેળવવા માટે જણાવતા બંને અધિકારીઓએ સાથે મળી હિસાબ કર્યો હતો તેમ છતાં રૂા.પાંત્રીસ લાખ ઘટ્યા હતા. આથી આ બાબત માટે જવાબદાર ગણાતા બંને અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ત્યારપછી બેંકના હિસાબના નિયમ મુજબ રકમ પૂર્ણ થવી જોઈએ તેને અનુસરીને બંને હેડ કેશિયર તથા કેશિયરે ઘટતી રકમ હાલમાં અમે આપી દઈએ છીએ તે રીતે કરી હિસાબ સરભર કર્યો હતો અને ત્યારપછી આ રકમ કોઈ ખાતેદારને વધુ અપાઈ ગઈ ? કે કોઈ ખાતેદાર પાસેથી ઓછી આવી ? તે બાબતમાં તપાસ શરૂ કરી હતી. તેમ છતાં ગુમ થયેલી રકમના કોઈ સગડ મળ્યા ન હતા. તે પછી અંતમાં બેંકમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાનું શરૂ થયું હતું. બેંકના અધિકારીઓ દ્વારા જ્યારે સીસીટીવીના ફૂટેજ ચકાસાયા ત્યારે તેમાં બેંકનો જ પટ્ટાવાળો આશિષ બુદ્ધભટ્ટી બેંકના કેશ વિભાગમાં પ્રવેશ્યા પછી તેના ખાનામાંથી કેટલીક ચલણી નોટોના બંડલ સેરવતો નજરે પડતા ઉપરોક્ત હકીકતથી મેનેજર રાજવીરસિંઘને વાકેફ કરાયા હતા. તેઓએ પણ ચોક્કસાઈપૂર્વક સીસીટીવી ફૂટેજ જોયા પછી ગઈકાલે આશિષ બુદ્ધભટ્ટીના નામજોગ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ જી.પી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ દલવાડિયાએ આ ફરિયાદ આઈપીસી ૩૮૧ હેઠળ નોંધી શકદાર પટ્ટાવાળા આશિષની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.